બાંગ્લાદેશ મુક્તિ સંગ્રામ સુવર્ણ જયંતિની કોંગ્રેસ શાનદાર ઉજવણી કરશે

અમદાવાદ: ભારતનાં પાડોશી દેશ બાંગ્લાદેશની આઝાદી માટે સને ૧૯૭૧માં લડાયેલાં યુદ્ધની સુવર્ણ જયંતિની ઉજવણીનું કોંગ્રેસ દ્વારા ગુજરાત સહિત દેશભરમાં શાનદાર આયોજન કરવામાં આવ્યું છે. બાંગ્લાદેશ મુક્તિ સંગ્રામ, ૧૯૭૧ની ૫૦મી જયંતી માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા નિમાયેલી રાજ્ય કક્ષાની કમિટીમાં કો-ઓર્ડીનેટર તરીકે લડાયક યુવા પ્રવક્તા અને મહામંત્રી ડૉ. હિમાંશુ પટેલની નિમણૂક કરવામાં આવી છે.
સને ૧૯૭૧માં ભારત દ્વારા વડાપ્રધાન ઇન્દિરા ગાંધીનાં નેતૃત્વમાં પાકિસ્તાન સામે યુદ્ધ કરી બાંગ્લાદેશને આઝાદી આપાવવામાં આવી હતી. બાંગ્લાદેશની સ્વતંત્રતા માટે લડાયેલાં આ ઐતિહાસિક યુદ્ધને ૫૦ વર્ષ પૂર્ણ થતાં કોંગ્રેસ દ્વારા સમગ્ર દેશમાં આ યુદ્ધની સુવર્ણજયંતિની ઉજવણીનું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે. કોંગ્રેસનાં રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીમતિ સોનિયા ગાંધીએ ધ ૫૦ એનિવર્સરી ઓફ બાંગ્લાદેશ લિબેરશન વૉર, ૧૯૭૧ કમિટીની રચના કરી તેનાં કન્વીનર તરીકે કેપ્ટને પ્રવિણ દાવરની નિમણૂક કરી છે.
આ વૉર કમિટીનાં રાષ્ટ્રીય કન્વીનરશ્રી કેપ્ટન પ્રવિણ દાવરની સૂચનાથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં અધ્યશ્રી અમિત ચાવડાએ બાંગ્લાદેશ મુક્તિ સંગ્રામ ૧૯૭૧ની સુવર્ણ જયંતિ કમિટીની રાજ્ય કક્ષાએ રચના કરી છે. આ કમિટીનાં કો-ઓર્ડીનેટર તરીકે પ્રદેશ મહામંત્રી ડૉ. હિમાંશુ પટેલની નિમણૂક કરવામાં આવી છે. જેમાં શ્રી અમિત ચાવડાનાં નેતૃત્ત્વમાં ડૉ. હિમાંશુ પટેલની કો-ઓર્ડીનેટર પદે ગુજરાત રાજ્ય કક્ષાની કમિટીની કરાયેલી રચનાને રાષ્ટ્રીય કન્વીનર શ્રી કેપ્ટન પ્રવિણ દાવર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ કમિટીમાં કો-ઓર્ડીનેટર ડૉ. હિમાંશુ પટેલે જણાવ્યું છે
કે, કોરોનાની મહામારીનાં કારણે આ ઉજવણીનાં કાર્યક્રમો મુલત્વી રાખવામાં આવ્યા હતા. પરંતુ હવે પરિસ્થિતિ સામાન્ય થતાં આગામી સમયમાં ગુજરાતનાં દરેક જિલ્લાઓમાં આ કમિટીઓની રચના કરવામાં આવશે. તે સાથે દરેક જિલ્લામાં દર અઠવાડિયે તબક્કાવાર વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે. જેમાં મા-ભોમની રક્ષા કરતા દેશનાં જવાનો, પૂર્વ સૈનિકો, પોલીસ મિત્રો, સ્વાતંત્ર્ય સેનાનીઓ વગેરેનો સહયોગ લઈ ઉજવણી કરવામાં આવશે.
આ ઉપરાંત આ યુદ્ધ સમયનાં સાક્ષી રહેલાં વિવિધ ક્ષેત્રોનાં આગેવાનોને પણ સાથે રાખી રાષ્ટ્રપ્રેમ અને શૌર્ય વધારતા અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવનાર હોવાનું ડૉ. હિમાંશુ પટેલે જણાવ્યું છે.ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાજ્ય કક્ષાની કમિટીમાં કો-ઓર્ડીનેટર ડૉ. હિમાંશુ પટેલનાં નેતૃત્ત્વમાં કુલ ૧૮ સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
જેમાં કોંગ્રેસનાં અગ્રણીઓ સર્વશ્રી નરેન્દ્ર રાવત, શંભુભાઈ પ્રજાપતિ, અરવિંદ ચૌહાણ, જી. એમ. પટેલ, મનીષ મકવાણા, વૈભવ ગામિત, ચેતન ખાચર, ચેતન પટેલ, વિનય તોમર, જયદીપ ઠાકોર, અલ્તાફ કાફી, ધમભાઈ પટેલ, ફિરોજ મલેક, મહિપાલસિંહ ગઢવી, ગુલાબસિંહ રાજપૂત, રૂત્વિકભાઈ મકવાણા તેમજ ગાયત્રીબા વાઘેલાની નિમણૂક કરવામાં આવી છે.