બાઈક અકસ્માત બાદ યુવક ઘરે ગયો, બે કલાકમાં મોત
અમદાવાદ: ગુરુવારે બપોરે ચાંદખેડાનો એક શખ્સ એસજી હાઈવે પર આવેલા કારગિલ પેટ્રોલપંપ નજીક બાઈક સ્લીપ થતા રોડ પટકાયો હતો. જેથી તેના શરીરના ભાગોમાં ઈજાઓ થઈ હતી પરંતુ તેણે કોઈ કાળજી લીધી નહીં. અકસ્માત થયાના લગભગ બે કલાક બાદ તે પોતાને અસ્વસ્થ અનુભવતા તેના મિત્રો તેને હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો. એસજી -૨ ટ્રાફિક પોલીસમાં નોંધાવેલી એફઆઈઆર મુજબ ચાંદખેડામાં રહેતો સાહિલ સોલંકી (૨૫) ગુરુવારે બપોરે ચાંગોદરમાં નોકરી જવા માટે ઘરેથી નીકળ્યો હતો.
બપોરના ૨.૧૫ વાગ્યે સોલંકીએ તેના પિતરાઇ ભાઇ ગુંજન પરમાર (૩૩)ને ફોન કર્યો હતો અને તેને જાણ કરી હતી કે તેની મોટરસાયકલ એસજી રોડ પર આવેલા કારગિલ પેટ્રોલ પંપ નજીક સ્લીપ થઈ ગઈ છે. અકસ્માતની જાણ થતાં પરમાર અને તેનો કઝીન મૈત્રિક ઘટનાસ્થળ પર દોડી ગયા હતા.
જ્યારે તેઓએ સોલંકીને પૂછ્યું કે તેને ક્યાં ઈજા થઈ છે, ત્યારે તેણે દાઢી અને કોણીના ભાગે ઈજાઓ થઈ હોવાનું જણાવ્યું હતું. સોલંકી વીકનેસ અનુભવતા પરમારને કહ્યું હતું કે તે કંઇક પીવા માંગે છે. જેથી પરમાર સોડા લઈ આવ્યો હતો. સોડા પીધા બાદ સોલંકીને સારૂં લાગતા ઘરે જવાની ઈચ્છા થઈ હતી. જ્યારે તેઓ વૈષ્ણોદેવી સર્કલ પાસે પહોંચ્યા ત્યારે સોલંકીએ પરમારને કહ્યું કે તેણે દાઢી કરાવવી જોઈએ જેથી કોઈ ડાૅક્ટર ઈજાની તપાસ કરી શકે. ત્યારબાદ તેઓ એક બાર્બર પાસે ગયા અને સોલંકીએ દાઢી કરાવી હતી. ત્યારબાદ તેઓ સોલંકીના ઘરે પહોંચ્યાં જ્યાં તેણે તેના માતાપિતાને અકસ્માત વિશે જણાવ્યું હતું.
આ દરમિયાન તેને અચાનક ઉબકા થવા લાગ્યા અને અસ્વસ્થતાની લાગણી થવા લાગી. સોલંકીના પિતા અને પરમાર તેને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા, પરંતુ જન્માષ્ટમીના કારણે કોઈ ડોકટરો મળ્યા ન હોવાથી તેઓ તેને બીજી હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો.