બાઈક અથડાવા બાબતે પિતા-પુત્રએ બે કોન્સ્ટેબલ પર જીવલેણ હુમલો કર્યો
(એજન્સી) અમદાવાદ, નરોડામાં દારૂના અડ્ડા પર રેડ કરવા માટે ગયેલા પોલીસ કર્મચારીઓને માર મારવાનો વિવાદ હજુ શાંત નથી પડ્યો ત્યાં વળી, ગઈકાલે સોલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બે પોલીસ કર્મચારીઓને માથાભારે તત્ત્વોએ જાહેરમાં માર મારી જીવલેણ હુમલો કરતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે. પોલીસ કર્મચારીના બાઈકને અકસમાત થયા બાદ મામલો બિચક્યો હતો.
સોલા પોલીસ સ્ટેશસનના પોલીસ કોન્સ્ટેબલ દેવેન્દ્ર પ્રભુદાસે કનુભાઈ સોલંકી, અજય સોલંકી, આકાશ સોલંકી વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી છે. સોલા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ રઘુવીરસિંહ તેમજ દેવેન્દ્ર ચાણક્યપુરી સક્ટર ર માં પ્રકાશ ઉર્ફે રાઠોડ ત્યાં તપાસ કરવા માટે ગયા હતા.
આથી દેવેેન્દ્રભાઈ ત્યાંથી નીકળતા હતા ત્યારે પાછળથી એક એક્ટીવાચાલકે તેનું એક્ટીવા દેવેન્દ્રભાઈની બાઈક સાથે અથડાવ્યુ હતુ. એક્ટીવાચાલકે ટક્કર મારીને ગાળાગાળી કરવા લાગ્યો હતો. જેથી દેવેન્દ્રભાઈએ એક્ટીવાચાલકને પોતે પોલીસ હોવાનું કહ્યુ હતુ. તેમ છતાં પોલીવાળા છો તો શું થઈ ગયુ??આ મારો વિસ્તાર છે એમ કહીને તે જાેર જાેરથી બુમો પાડવા લાગ્યો હતો.
એક્ટીવાચાલકેે આ દરમ્યાન અન્ય શખ્સોને બોલાવી લીધા હતા. દેવેન્દ્રભાઈ અને રઘુભાઈએ પોલીસ હોવાની ઓળખાણ પણ આપી હોવા છતાં પણ એક્ટીવાચાલકે તમે પોલીસમાં છો તો શું થઈ ગયુ?? અમારી સોસાયટીમાં અમારૂ જ ચાલે છે. તમે અહીં જ ઉભા રહો. અમે તમને જાેઈ લઈએ છીએ. તેમ કહ્યુ હતુ ત્યારબાદ ત્રણેય શખ્સો ઘરમાં ગયા હતા.
દેવેન્દ્રભાઈને ત્રણેય શખ્સો હુમલો કરશે એવુ લાગતા પીઆઈ અને સ્ટાફના માણસોને જાણ કરી દીધી હતી. દરમ્યાનમાં ત્રણેય શખ્સો પાઈપ, કોશ તમજ દંડો લઈ આવી દેવેન્દ્રભાઈ અને રઘુભાઈને મારવા માટે પાછળ દોડ્યા હતા. આ સમયે એક શખ્સે રઘુભાઈને લોખંડની કોશ માથામાં મારી દીધી હતી. દેવેન્દ્રભાઈ વચ્ચે આવતા તેમના પર જીવલેણ હુમલો કર્યો હતો.
ત્રણેય શખ્સોએ આ પોલીસવાળાને આજે જીવતા જવા દઈશું તો આપણા વિરૂધ્ધ ફરીયાદ કરશે. જેથી આ લોકોને તો આજે પતાવી જ દેવા છે એમ કહીને રઘુવીરભાઈ અને દેવેન્દ્રભાઈ લોહીથી લથબથ હાલતમાં તકનો લાભ લઈને ચાણક્યપુર શાકભાજી માર્કેટ તરફ દોડીને આવી ગયા હતા.
અહીં આવતા જ રઘુવીરભાઈ બેભાન થઈ ગયા હતા. આ સમયે સોલા પોેલીસનો કાલો આવી જતાં બંન્નેને સોલા સિવિલ હોસ્પીટલમાં સારવારાર્થે લઈ ગયા હતા. બાકીના સ્ટાફના માણસો બનાવની જગ્યાએ જતાં તેમની સાથે પણ ત્રણે શખ્સોને ઝપાઝપી કરી હુમલો કર્યો હતો.
જાે કે પોલીસ કોન્સ્ટેબલ જયદીપસિંહ તેમજ અન્ય સ્ટાફ ત્રણે શખ્સોને પકડી પોલીસ સ્ટેશને લઈ આવ્યા હતા. પોલીસે ત્રણે શખ્સોની પૂછપરછ કરતાં તેઓએ તેમના નામ કનુભાઈ સોલંકી, અજય સોલંકી, આકાશ સોલંકી જણાવ્યુ હતુ અને આ ત્રણેય બાપ-દિકરા હતા.
મહત્વનુ છે કે આ હિંસક હુમલામાં કોન્સ્ટેબલ રઘુવીરભાઈને શરીરના ભાગે ગંભીર ઈજા થયેલી છે. તેમજ દેવેન્દ્રભાઈને હાથ-પગમાં ઈજા થઈ હતી. હિંસક હુમલાખોર ત્રણેય બાપ-દિકરા વિરૂધ્ધ સોલા પોલીસે હત્યાની કોશિષનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.