બાઈક ટેક્ષીમાં રોકાણના નામે રૂા.૧પ,૦૦૦ કરોડનું જંગી કૌભાંડ પકડાયું
રોકાણકારોને ૧,૩,પ, કે પછી ૭ બાઈકના રોકાણ પર જંગી રીટર્નની લાલચ આપી ફસાવ્યાં
નવીદિલ્હી, ઉત્તરપ્રદેશની કંપની બાઈક બોટ દ્વારા કરાયેલા રૂા.૧પ૦૦૦ કરોડના જંગી કૌભાંડમાં કેસમાં સીબીઆઈ એ કેસ કર્યો છે. સીબીઆઈ દ્વારા આ મામલામાં કંપનીના ચીફ મેનેજીગ ડાયરેકટર સંજય ભાટી અને અન્ય ૧૪ લોકો વિરૂધ્ધ કેસ દાખલ કરાયો છે.
આ તમામ લોકો પર આરોપ છે. કે તેમણે દેશભરમાં લાખો લોકો સાથે છેતરપિડી કરી છે. આ કંપનીના નામ પર લોકોને બાઈક ટેક્ષીમાં રોકાણની ઓફર આપવામાં આવી હતી. આ હેઠળ રૂા.૧પ૦૦૦ કરોડની ઠગાઈ કરી અને પછી પૈસા ચાઉં કરી લીધા હતા. આ ગોટાળો ડાયમંડ મર્ચન્ટ નીરવ મોદી અને મેહુલ ચોકસીના ફ્રોડથી પણ મોટો માનવામાં આવી રહયો છે. સીબીઆઈની એફઆઈઆર અનુસાર આ કેસ ર લાખ લોકો સાથે ઠગાઈ અંગેનો છે.
સંજય ભાટીએ ગવિર્ત ઈનોવેટીવ પ્રમોટર્સ લીમીટેડ નામથી કંપની બનાવી હતી. ત્યારબાદ બાઈક બોટ નામની સ્કીમની શરૂઆત કરી હતી. આ હેઠળ સંજય ભાટી અને તેમના સાથીઓને રોકાણકારોને ૧,૩,પ કે પછી ૭ બાઈકના રોકાણ બાદ આકર્ષક રીટર્ન ઓફર આપી હતી. રોકાણકારોને એવું કહેવામાં આવ્યું હતું કે બાઈક ટેક્ષી સ્કીમ છે
અને એમાં પૈસા રોકયા બાદ લોકોને મોટું રીટર્ન મળશે. જાેકે, આવું કશુંય થયું નહી અને હજારો કરોડની ઠગાઈ કર્યા બાદ સંજય ભાટી અને તેના સાથીઓ ગાયબ થઈ ગયા હતા. એવી પણ માહિતી છે કે મુખ્ય આરોપી સંજય ભાટી હાલ દેશમાં નથી.
આ છેતરપિંડીની સ્કીમ હેઠળ લોકોને એવી ઓફર આપવામાં આવી હતી કે બાઈકની ખરીદી માટે જે રોકાણ કરશે, તેના બદલામાં તેમને દર મહિને મોટું રીટર્ન મળશે. આ સિવાય સ્કિમમાં અન્ય લોકોને જાેડવા પર ઈન્સેટીવ આપવાની વાત કરાઈ હતી. આ ઉપરાંત કંપનીએ દેશના કેટલાક શહેરોમાં પોતાની ફ્રેન્ચાઈજી શરૂ કરવાની વાત પણ કહી હતી.
જાેકે, આ સ્કીમ વાસ્તવીક રીતે અમલી થઈ શકી નહી અને લોકો સાથે છેતરપિંડી ચાલુ રાખી હતી. આ સ્કીમને કંપનીએ ર૦૧૭માં લોન્ચ કરી હતી. અને ર૦૧૯ના આરંભમાં દિવસો સુધી ઘોટાળો ચાલું રહયો હતો. આ દરમ્યાન દેશભરથી લાખો લોકોએ કંપનીમાં લગભગ રૂ.૧પ૦૦૦ કરોડ સુધીનું રોકાણ કર્યું હતું.સીબીઆઈ પહેલા એ કેસમાં ઈડીએ તપાસ કરી હતી અને કંપનીના પ્રમોટરોની રૂા.ર૧૬ કરોડની સંપત્તિ જપ્ત કરી હતી.