બાઈક ધીમુ પાડતા પાછળથી લક્ઝરીએ કચડી નાખ્યા
બે યુવાનોનો સ્થળ પર જ મોત જ્યારે એક યુવકને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે
આણંદ: મહેમદાવાદ નજીક એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટનામાં બે યુવાનોના મોત થયા છે જ્યારે એકને ગંભીર રીતે ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. વાંઠવાળી ગામ પાસે બમ્પ આવતા મોટરસાયકલ ચાલકે વાહન ધીમુ પાડ્યું તો પાછળથી આવતી અજાણી લકઝરી બસે ટક્કર મારી ફંગોળ્યા હતા. મહેમદાવાદ પોલીસે ફરિયાદના આધારે ફેટલ અકસ્માતનો ગુનો નોંધ્યો છે. ખેડા જિલ્લાના મહેમદાવાદ પંથકમાં ગતમોડી રાત્રે બે અકસ્માતમાં મોટરસાયકલ પર સવાર બે વ્યક્તિઓના મોત નિપજ્યાં છે.
જ્યારે અન્ય એક વ્યક્તિ સારવાર હેઠળ છે. આ અંગે મહેમદાવાદ પોલીસે ફેટલ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે. વિગતે વાત કરીએ તો, મહેમદાવાદ તાલુકાના કેસરા ગામના મહમંદરઝાક મલેક (ઉ. વ. ૧૯), રાકીબ મલેક (ઉ. વ. ૨૦) અને નિલેશ તળપદા ગતમોડી રાત્રે એકજ મોટરસાયકલ પર મહેમદાવાદના વાંઠવાળી પાસેથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન આ ગામની પ્રાથમિક શાળા નજીક બમ્પ આવતા ઉપરોક્ત મોટરસાયકલ ચાલકે પોતાનું વાહન ધીમું પાડ્યું હતું.
જે સમયે પાછળથી પુરપાટે આવતી અજાણી લકઝરી બસે આ મોટરસાયકલને અડફેટે લીધું હતું. જેના કારણે બાઈક ચાલક સહિત ત્રણેય લોકો રોડ પર પટકાયા હતા. આ ઘટનામાં મહમંદરઝાક મલેક અને રાકીબ મલેકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે નિલેશને સારવાર અર્થે ખસેડાયો છે. અકસ્માત બાદ ઉપરોક્ત વાહન ચાલક વાહન લઈને ફરાર થઈ ગયો હતો. આ ઘટનાની જાણ કેસરા ગામના શોકતઅલી મલેકને થતાં તેઓએ આ અંગે મહેમદાવાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફેટલ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.