બાઈક પર આવેલા અજાણ્યા શખ્સોનો મહિલા પર ગોળીબાર
મહિલાનો ૪ વર્ષથી કોર્ટમાં છૂટાછેડાનો કેસ ચાલે છે
(એજન્સી) સુરત, સુરત શહેરના માન દરવાજા વિસ્તારમાં એક ૩૦ વર્ષીય મહિલા પર ત્રણ વાર ગોળીબાર કરવામાં આવ્યો હતો. મહિલાની ઓળખ નંદા મોરે તરીકે થઈ છે. મહિલાને હાથમાં અને થાપા પર ઈજા થઈ છે. પોલીસ દ્વારા પ્રાપ્ત જાણકારી અનુસાર મહિલાની સ્થિતિ અત્યારે સ્થિર છે.
ઘટનાની વિસ્તારપૂર્વક વાત કરીએ તો સુરત શહેરના માન દરવાજા વિસ્તારમાં રહેતા મહિલા જ્યારે પોતાના ઘર નજીક ઉભા હતા ત્યારે તેમના પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. નંદા મોરેના પરિવારના લોકોએ શંકા વ્યક્ત કરી છે કે કદાચ આ હુમલો તેમના પતિ વિનોદ દ્વારા કરવામાં આવ્યો હોઈ શકે અથવા તેમની કોઈ પ્રકારે સંડોવણી હોઈ શકે છે.
પોલીસ અધિકારીએ આ કેસની વિગત જણાવતા કહ્યું કે, વિનોદ સીઆરપીએફમાં કાર્યરત છે અને શહેરની બહાર તેનું પોસ્ટિંગ છે. હજી સુધી સ્પષ્ટપણે જાણી નથી શકાયું કે મહિલા પર હુમલો કોણે કર્યો હતો અને કોના કહેવા પર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે નંદા મોરે રોડ પર ચાલી રહ્યા હતા
અને તે સમયે બે લોકો મોટરસાઈકલ પર આવ્યા અને તેના પર ત્રણ રાઉન્ડ ગોળીબાર કર્યો. એક ગોળી તેને થાપાના ભાગ પર વાગી અને બે ગોળીઓ હાથ પર વાગી હતી. નંદા મોરેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમની સર્જરી કરવામાં આવશે.
પોલીસ દ્વારા પ્રાપ્ત જાણકારી અનુસાર, નંદા મોરેના લગ્ન વર્ષ ૨૦૧૦માં થયા હતા અને તેમના બાળકો નથી. નંદા મોરેની ઘણીવાર કસુવાવડ થઈ હતી. પોલીસને શંકા છે કે બાળક ન હોવાને કારણે પતિ-પત્ની વચ્ચે લડાઈ ચાલતી હતી. નંદા મોરેના પતિને છૂટાછેડા જાેઈતા હતા પરંતુ નંદા છૂટાછેડા આપવા રાજી નહોતા.
પાછલા ચાર વર્ષથી તેમનો ડિવોર્સ કેસ કોર્ટમાં પેન્ડિંગ છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે વિનોદે આ પહેલા ઘણીવાર નંદા પત્ની મોરેને મારી નાખવાની ધમકી આપી હતી અને તેના પર છૂટાછેડાનું દબાણ પણ કરતો હતો.