બાઈક પર આવેલા શખ્સોનું યુવાનના મોઢા પર ફાયરિંગ
જામનગર, જામનગર શહેરમાં ઈવા પાર્ક વિસ્તારમાં આજે વહેલી સવારે ફાયરિંગની ઘટનાથી ભારે સનસનાટી મચી ગઈ છે. ડબલ સવારી બાઈકમાં આવેલાં ચાર શખ્સોએ એક યુવાનના મોઢાં પર ફાયરિંગ કરી હત્યા નિપજાવવાનો પ્રયાસ કર્યાનું સામે આવ્યું છે. યુવાનના મોઢાના ભાગે ગોળી વાગી હોવાથી તેને તાત્કાલિક અસરથી સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. અને તેના પર શસ્ત્ર ક્રિયા ચાલી રહી છે. ઉપરાંત પોલીસ તંત્ર પણ હરકતમાં આવી ગયું છે અને શાર્પશૂટરોને પકડવા માટે ચોતરફ નાકાબંધી કરી છે. ઇજાગ્રસ્ત યુવાનને ભૂ-માફિયા જયેશ પટેલ સાથે વાંધો ચાલતો હોવાથી જયેશ પટેલના સાગરિતો દ્વારા ફાયરિંગ કરાયું હોવાનું અનુમાન લગાવી પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.
જામનગર શહેરમાં ભારે ચકચાર જગાવનારા આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં ઇવા પાર્ક વિસ્તારમાં રહેતા જયસુખ દેવરાજભાઈ પેઢડીયા ઉર્ફે ટીનો પેઢડીયા (ઉંમર વર્ષ ૪૦) કે આજે સવારે આઠ વાગ્યે પોતાના મકાનની સાઈટ પાસે ઉભા રહીને મકાનનું બાંધકામ કરાવી રહ્યો હતો. જે દરમિયાન ડબલ સવારી બાઇકમાં ચાર શખ્સો પોતાના મોઢા પર રૂમાલ બાંધીને આવ્યા હતા, અને ટીનો પેઢડીયા પર રિવોલ્વર તાકીને ફાયરિંગ કર્યું હતું. આ સમયે જયસુખ પેઢડિયાએ પોતાના નેફામાં રહેલી રિવોલ્વર કાઢવાનો પ્રયત્ન કરે તે પહેલાં જ ચાર શખ્સો પૈકીના એક શાર્પ શૂટરે પોતાના હાથમાં રહેલી રિવોલ્વરમાંથી ફાયરિંગ કરી દેતાં જયસુખને હોઠ અને મોઢાના ભાગે ગોળી વાગી હતી. જે ગોળી તેના મોઢામાં ખૂંચી ગઈ હતી. અને પ્રતિકાર કરે તે પહેલાં ચારેય શખ્સો પોતાના બાઈક પર ભાગી છૂટયા હતા.
આ ઘટનાની જાણ થતાં ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. ઇજાગ્રસ્તના કુટુંબીએ જયસુખભાઇને સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં પહોંચાડ્યો હતો. આ ઘટનાની જાણ થવાથી પોલીસ કાફલો હરકતમાં આવી ગયો હતો. જામનગર શહેરના જિલ્લા પોલીસ વડા, અને એ.એસ.પી. નીતીશ પાંડેની આગેવાની હેઠળ સીટી-એ ડિવિઝન ઉપરાંત એલસીબી અને એસ.ઓ.જી.નો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ઉપરાંત સમગ્ર જિલ્લાભરમાં નાકાબંધી કરાવી હતી. જાે કે ફાયરિંગ કરીને ભાગી છૂટેલા ચારેય શખ્સો હવામાં ઓગળી ગયા હતા. જેઓને પકડી પાડવા માટે સીસીટીવી કેમેરાઓની મદદ લેવામાં આવી રહી છે.
પ્રાથમિક પૂછપરછમાં જયસુખ પેઢડિયાના ભાઈ હસુ પેઢડીયા કે જે અગાઉ જિલ્લા ભાજપના મહામંત્રી તરીકે પણ હતો અને જયેશ પટેલ સાથે તેને તથા તેના ભાઈ જયસુખને અગાઉ વાંધા હતા, અને ફાયરિંગ સહિતની ફરિયાદ પણ જયેશ પટેલ સામે નોંધાવી છે. ઉપરાંત આ હુમલો પણ જયેશ પટેલના સાગરિતો દ્વારા કરવામાં આવ્યો હોવાનું જણાવાયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ જયેશ પટેલનો ધમકીભર્યો ઓડિયો વાયરલ થયો હતો જેમાં ઇજાગ્રસ્ત યુવાન જયસુખ પેઢડિયાને જ જયેશ પટેલે ધમકી આપી હતી. દરમિયાન આજે હુમલાની ઘટનાને અંજામ અપાયો હોવાથી પોલીસ તંત્ર ફરીથી હરકતમાં આવી ગયું છે. અને હુમલો કરનારાઓને શોધવાની તેમજ ફાયરિંગ અંગેનો ગુનો નોંધવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આ સમગ્ર ઘટનાને લઇને જામનગર શહેરમાં ભારે સનસનાટી મચી જવા પામી છે.SSS