બાઈક સવારને બચાવવા જતા કાર ખાડામાં ખાબકી, ૬નાં મોત
બલરામપુર: ઉત્તર પ્રદેશના બલરામપુરમાં નેશનલ હાઇવ પર એક મોટી દુર્ઘટના સર્જાઇ છે. એક બાઇક સવારને બચાવવાના ચક્કરમાં કાર પાણી ભરેલા ખાડામાં પલટી મારી ગઈ હતી. આ દુર્ઘટનામાં કારમાં સવાર ૬ લોકોના મોત થયા છે. મૃતકોમાં ત્રણ બાળકોનો સમાવેશ થાય છે. મહારાજગંજ તરાઇ થાના ક્ષેત્રના શીવા નગર પાસે આ અકસ્માત થયો છે. ગ્રામીઓએ જણાવ્યું કે બાઇક સવારને બચાવવા દરમિયાન કાર અનિયંત્રિત થઇ ગઈ હતી અને રસ્તાના કિનારે પાણીથી ભરેલા ખાડામાં ખાબકી હતી. ખાડામાં પાણી એટલું વધારે હતું કે આખી કાર એમાં સમાઈ ગઈ હતી. ગામના લોકોએ ઘટના પછી તરત બધા લોકોને પાણીથી બહાર કાઢ્યા હતા.
પોલીસને સૂચના આપવામાં આવી હતી. જાેકે કોઈના જીવ બચી શક્યા નથી. બાઈક ચાલકની સ્થિતિ પણ ગંભીર છે. તેને ગોંડા ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો છે. મૃતકોમાં પતિ-પત્ની અને બે બાળકો સહિત એક પિતરાઈ બહેન અને એક ડ્રાઈવર છે. ગોંડા જિલ્લામાં રહેતો આ પરિવાર દિકરાનો જન્મદિવસ ઉજવવા દેવીપાટન જઈ રહ્યા હતા.
મૃતકોમાં ૩ બાળકો, ૨ પુરુષ અને ૧ મહિલા છે. એક જ પરિવારના ૫ સભ્યો હતા. બલરામપુરના અપર પોલીસ અધિક્ષક અરવિંદ મિશ્રએ જણાવ્યું કે જાણકારી પ્રમાણે ગોંડાના તરબજગંજનો રહેવાસી પરિવાર કારમાં સવાર હતા. જેનો બાઇક સાથે અકસ્માત થયો હતો. કાર અનિયંત્રિત થઇને પાણીના ખાડામાં ખાબકી હતી.