Western Times News

Gujarati News

બાઈક સવારે મહિલાને  ટકકર મારતા ઇજા

અમદાવાદ: અમદાવાદના એસજી હાઈવે પર શપથ-૫ માં નોકરી કરતી એક મહિલા રોડ ક્રોસ કરી રહી હતી ત્યારે એક અણઘડ અને બેફામ બાઇક સવાર યુવકે પોતાની બાઇક ગફલતભરી રીતે હંકારી મહિલાને અડફેટે લીધી હતી અને તેને નિર્દયતાથી કચડી તેણીની ઉપરથી બાઇક ચલાવી ફરાર થઇ ગયો હતો. બાઇકની નીચે કચડાવાથી અને પેટના ભાગેથી આખી બાઇક પસાર થવાના કારણે મહિલાને ગંભીર ઇજા પહોંચી હતી.

જેને પગલે ઇજાગ્રસ્ત મહિલાને ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી. બીજીબાજુ, સરખેજ પોલીસે આ બનાવ અંગે તપાસ હાથ ધરી આરોપી બાઇકચાલકને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના ડ્રાઇવઇન વિસ્તારમાં રહેતી કુંજલ ભટ્ટ નામની યુવતી મંગળવારે સાંજે છ વાગ્યાના અરસામાં શપથ પાંચમાંથી બહાર નીકળી રહ્યા હતા ત્યારે ત્યાંથી પુરઝડપે પસાર થયેલી બાઈકે તેમને અડફેટે લીધા હતા. અકસ્માત બાદ કુંજલબેનને મદદ કરવાને બદલે બાઇક સવાર તેમના પરથી બાઈક ચલાવી ફરાર થઇ ગયો હતો. બાઇક નીચે કચડાવાના કારણે કુંજલબહેનને ગંભીર ઇજા પહોંચી હતી,

જેને પગલે તેમને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં  સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી. સરખેજ પોલીસે સીસીટીવીના આધારે અજાણ્યા બાઇક સવારને શોધવા માટે પ્રયાસો હાથ ધર્યા છે. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.