બાકીની ત્રણ મેચમાં યુવા ખેલાડીને તક અપાશે : ધોની
દુબઈ: અત્યાર સુધી ૧૧માંથી આઠ મેચ ગુમાવીને આઈપીએલ પ્લે ઑફની રેસમાંથી લગભગ બહાર થઈ ગયેલી ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ કહ્યું છે કે આવતા વર્ષને ધ્યાનમાં રાખતા બાકીની ત્રણેય મેચમાં યુવા ખેલાડીઓની કસોટી લેવામાં આવશે. મુંબઈ ઇન્ડિયન્સ સામે ૧૦ વિકેટથી હાર મળ્યા બાદ ધોનીએ કહ્યુ કે,
આ પ્રકારના પ્રદર્શનથી દુઃખ થાય છે. અમારે એ જોવું પડશે કે ભૂલો ક્યાં થાય છે. આ અમારું વર્ષ નથી. તમે ભલે આઠ વિકેટથી હારો કે ૧૦ વિકેટથી, એનાથી કંઈ ફર્ક નથી પડતો પરંતુ જોવાનું એ રહ્યું કે આપણે ટૂર્નામેન્ટમાં આ સમયે ક્યાં છીએ. આ ખરેખર દુઃખી કરે છે.
અમારે બીજી મેચમાં જ જોવાનું હતું કે અમે ક્યાં ખોટા હતા
ધોનીએ કહ્યું, અમારે બીજી મેચમાં જ જોવાનું હતું કે અમે ક્યાં ખોટા હતા. અંબાતી રાયડૂ ઘાયલ થઈ ગયો અને બાકી બેટ્સમેન પણ પોતાનાં ૨૦૦ ટકા ન આપી શક્યા. કિસ્મતે પણ અમારો સાથ ન આપ્યો. જે મેચમાં અમે પહેલા બેટિંગ કરવા માંગતા હતા ત્યાં ટૉસ ન જીતી શક્યા. જ્યારે અમે પ્રથમ બેટિંગ કરી ત્યારે ઝાકળ હતી.
ત્રણ વખતની ચેમ્પિયન રહેલી ટીમના કેપ્ટને કહ્યુ કે, ખરાબ પ્રદર્શન માટે ૧૦૦ બહાના આપી શકાય છે. પરંતુ અમારે અમારી જાતને પૂછવું પડશે કે શું અમે અમારા ક્ષમતા પ્રમાણે રમત રમ્યા હતા? શું અમે અત્યાર સુધીના અમારા રેકોર્ડ પ્રમાણે રમ્યા છીએ? ના. અમે પ્રયાસ કર્યો પરંતુ સફળ ન થયા.
આગામી ત્રણ મેચમાં યુવા ખેલાડીઓની કસોટી થશે
ધોનીએ કહ્યુ કે, આગામી વર્ષ માટે ચિત્ર સ્પષ્ટ હોય તે જરૂરી છે. ધોનીએ કહ્યુ, આગામી વર્ષે ઘણા બહાના હશે. આગામી ત્રણ મેચમાં યુવા ખેલાડીઓની કસોટી થશે. આગામી વર્ષને ધ્યાનમાં રાખીને જોવામાં આવશે કે કોણ ડેથ ઓવરમાં સારી બોલિંગ કરી શકે છે અને કોણ બેટ્સમેનના દબાણને સહન કરી શકે છે. આગામી ત્રણ મેચમાં યુવા ચહેરાઓને મોકો આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ટેન્ટ બોલ્ટ અને જસપ્રીત બુમરાહની કહેર વરતાવતી બોલિંગ અને તે બાદમાં ઇશાન કિશનની આક્રમક અડધી સદીની મદદથી મુંબઈ ઇન્ડિયન્સે ત્રણ વખતની ચેમ્પિયન સુપર કિંગ્સને ખરાબ રીતે હાર આપી હતી.
ટૉસથી લઈને બેટિંગ અને બોલિંગ સુધી કંઈ પણ ચેન્નાઈના પક્ષમાં રહ્યું ન હતું. મુંબઈની આક્રમક બોલિંગ સામે ફરી એક વખત ચેન્નાઈ સુપર કિંગ્સના બેટ્સમેન નિષ્ફળ રહ્યા હતા. મહેન્દ્રસિંહ ધોનીની ટીમ નવ વિકેટ પર ૧૧૪ રન બનાવી શકી હતી. આ જીત બાદ મુંબઈ ૧૦ મેચમાં ૧૪માં નંબર પર છે, જ્યારે ચેન્નાઈ ૧૧ મેંચમાં છ અંક સાથે અંતિમ નંબર પર છે.