બાપુનગરમાં અગાઉની અદાવત રાખી આધેડની જાહેરમાં હત્યા
(પ્રતિનિધિ) અમદાવાદ : બાપુનગર પોલીસ સ્ટેશનમાં ગઈકાલે મર્ડરની ઘટના સામે આવી છે. બાપુનગરની ચાલીમાં રહેતા આધેડ ઘરે આવેલા પોતાના ભાઈને બહાર સુધી મુકવા ગયા હતા જયાં સ્થાનિક લુખ્ખાએ અગાઉની અદાવત રાખી સરેઆમ તેમના પેટમાં છરીઓના ઘા મારતાં આધેડનું મૃત્યુ થયું હતું.
મૃતક રાજેશભાઈ પુરણભાઈ માહોરલની પત્ની કમળાબેન (રહે. ગંગાનગરની ચાલી, શ્યામજીભાઈના મકાન સામે, બાપુનગર) એ ફરીયાદ નોંધાવી હતી કે ગઈકાલે પરીવારજનો સાથે તે ઘરે હાજર હતા ત્યારે પતિના નાના ભાઈ સંજયભાઈ અને સતીષભાઈ તેમને મળવા આવ્યા હતા જમ્યા બાદ રાજેશભાઈ તથા કમળાબેન તેમને વળાવવા ચાલીના નાકા સુધી ગયા હતા
જયાં શ્યામજીભાઈની ચાલીમાં રહેતો સુનીલ રાવત નામનો શખ્સ આવ્યો હતો અને અગાઉના ઝઘડાની અદાવત રાખી તે મને દારૂ પીવા રૂપિયા કેમ નહતા આપ્યા કહીને ઝઘડો કરી ગાળો બોલવા લાગ્યો હતો જેથી રાજેશભાઈએ તેને ગાળો બોલવાની ના પાડતાં સુનીલ ઉશ્કેરાયો હતો અને પોતાની પાસે રહેલી છરી કાઢીને ઉપરા છાપરી બે ઘા રાજેશભાઈના પેટમાં મારી દીધા હતા.
જેના કારણે રાજેશભાઈ લોહીના ખાબોચીયામાં પટકાયા હતા રાત્રે આઠ વાગ્યાના સુમારે જાહેરમાં આ ઘટના બનતા લોકોમાં પણ નાસભાગ મચી હતી. બીજી તરફ સુનીલ ત્યાંથી ભાગી છુટયો હતો બાદમાં રાજેશભાઈને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જયાં ડોકટરે તેમને મૃત જાહેર કર્યા હતા. પોલીસને હત્યાની જાણ થતાં જ હત્યારા સુનીલને ઝડપીને સમગ્ર રાત દરમિયાન તપાસ કરી હતી.