બાપુનગરમાં ક્રેડીટ સોસાયટી કૌભાંડ ! અસંખ્ય નાગરિકો સાથે છેતરપિંડીની શક્યતા
અમદાવાદ: લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ના મરે એ કહેવત સાર્થક થઈ હોય એવાં ઘણાં કિસ્સા અમદાવાદમાં બની ચૂક્યા છે. એક કા તીન જેવી સ્કીમો લઈને આવનારા અશોક જાડેજા જેવાં ઠગ ભગતો અગાઉ પણ પકડાઈ ચૂક્યા હોવા છતાં ઓછા સમયમાં વધુ નાણાં કમાવવાની લાલચે નાગરીકો આવાં ધુતારાઓની જાળમાં સતત ફસાતાં જ રહે છે. વધુની વળતરની લાલચ આપતાં ઠગભગતો શરૂમાં રૂપિયા આપે છે બાદમાં ઘણાં નાગરીકોના કરોડો રૂપિયા ઉસેડીને રાતોરાત છુ થઈ જાય છે. બાપુનગરનાં એક રહીશને આવો જ અનુભવ થયો છે. જેમાં ક્રેડીટ સોસાયટીએ ડબલ રૂપિયા કરી આપવાની ઓફર આપતાં રૂપિયા ૨.૬૨ લાખ તેમણે રોક્યા હતાં. જાે કે પોતાનાં જ રૂપિયા પરત માંગવા જતાં ક્રેડીટ સોસાયટીના સુત્રધારો ઓફીસ બંધ કરીને જતાં રહ્યા હતાં.
સમગ્ર ઘટનાની વિગત એવી છે કે અવનીતભાઈ છગનભાઈ લાખાણી બાપુનગર ખાતે રહે છે. વર્ષ ૨૦૧૨માં તે બાપુનગર ઈન્ડિયા કોલોની રોડ પર સર્વાેદય સોસાયટીમાં આવેલી રૂબી કો.ઓ.ક્રેડીટ સોસાયટીની ઓફીસે ગયા હતા. જ્યાં હરીદાસભાઈ નામના વ્યક્તિએ જુદી જુદી ક્રેડીટ સ્કીમો અંગે સમજાવીને વાર્ષઇક ૧૨.૫૦ ટકા વ્યાજ ચૂકવવાનું તથા પાંચ વર્ષમાં રૂપિયા ડબલ કરવાની ઓફર આપી હતી. જેનાં પગલે લાલચમાં આવી ગયેલા અવનીતભાઈએ ૫૮ હજાર રૂપિયા ભર્યા હતાં. કેટલાંક સમય બાદ ત્યાં જતાં હરીદાસભાઈનાં બદલે મનસુખભાઈ પટેલ નામનો વ્યક્તિ મળ્યો હતો. જેણે પણ વધુ લોભામણી વાતો કરતાં અવનીતભાઈએ વધુ ૨,૦૪,૫૦૦ રૂપિયા રોક્યા હતા. ત્યારબાદ કંપનીના નિયમો બદલાતાં તેમણે પોતાનાં રૂપિયા પરત માંગ્યા હતાં. જેથી તેમને કેટલાંક રૂપિયા પરત મળ્યા હતાં.
જાે કે, એપ્રિલ ૨૦૧૯માં તે રૂબી સોસાયટીની ઓફીસે જતાં જતાં ત્યાં તાળું મારેલું હતું. જેથી મનસુખભાઈનો સંપર્ક કરતાં તેમણે નોકરી છોડી દીધી તથા રૂપિયા મટે રાજસ્થાનની મુખ્ય ઓફીસે સંપર્ક કરવા જણાવ્યું હતું. અવનીતભાઈ રૂપિયા લેવા રાજસ્થાન, અજમેરનો થાઈલેન્ડ માર્કેટનાં કેસરીયા કોમ્પ્લેક્ષમાં આવેલી હેડ ઓફીસે જતાં કંપનીનાં ડિરેક્ટર રાહુલ દવે તથા શખ્સો મળ્યા હતા. અવનીતભાઈએ પોતાની રજુઆત કરતાં તેમણે ચેક આપ્યો હતો. જે પાસ થઈ ગયો હતો. પરંતુ બાદમાં આપેલાં ચેક બાઉન્સ થતાં તેમણે રાહુલનો સંપર્ક સાધ્યો હતો. જે કોઈ જવાબ ન આપતાં ફરી તે અજમેર ખાતે પહોંચતા રાહુલ અને તેની ટોળકી ઓફીસે તાળાં મારી ફરાર થઈ ગઈ હતી.
આ ઘટના બાદ તપાસ કરતાં રૂબી ક્રેડીટ સોસાયટીવાળાં અસંખ્ય નાગરીકો સાથે રૂપિયા ડબલ કરવાનાં નામે છેતરપિંડી આચરી હોવાનું જાણવા મળતાં તે ચોંકી ઊઠ્યા હતાં. અમદાવાદ પરત ફરી તેમણે રાહુલનો સંપર્ક સાંધતા તેણે અને તેનાં સાગરીતોએ થાય તે કરી લો રૂપિયા નહીં મળે તેવી ધમકીઓ આપી હતી. પોતાની મહેનતની કમાણી ગુમાવી ચુકેલા અવનીતભાઈ છેવટે બાપુનગર પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને રૂબી ક્રેડીટ સોસાયટી, રાહુલ દવે, તેની પત્ની પૂજા દવે, હરીદાસભાઈ, મનસુખ પટેલ, મનોજ પંત, લોકેશ સારસ્વત અને ભરતસિંહ રાઠોડ વિરૂદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
રાજસ્થાનમાં હેડ ઓફીસ ધરાવતાં રાહુલે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ પોતાનો છેતરપિંડીનો ધંધો ચલાવી અસંખ્ય નાગરિકોને રૂપિયા ડબલ કરવાની લાલચે ઠગ્યા હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. એક ઘટના સામે આવ્યા બાદ ઠગાઈનો ભોગ બનેલાં અન્ય નાગરિકો પણ જાહેર થાય તેવી સંભાવના છે. ફરીયાદ મળતાં બાપુનગર પોલીસે તાત્કાલિક પગલાં લઇ તપાસ શરૂ કરી છે.