બાપુનગરમાં ગુંડારાજ-મોડી રાત્રે વેપારીને આંતરીને ત્રણ ગુંડાઓએ મારમારી લુંટ ચલાવી
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : કાનપુરનાં વેપારી મામાની દીકરીના લગ્ન પ્રસંગે અમદાવાદ ખાતે આવ્યા હતા.
જા કે લગ્ન પ્રસંગની વિધીઓ પતાવી નજીકમાં રહેતાં સગાને ત્યાં જતાં વેપારીને શહેરનો કડવો અનુભવ થયો છે. એકટીવા લઈને જતાં વેપારીને બાપુનગરમાં ત્રણ લુખ્ખા તત્વોએ આંતરીને ગડદાપાટુનો માર માર્યો હતો. ઉપરાંત તેમનાં વાહન ઉપર તલવારના ઘા મારી નુકશાન કર્યા બાદ તેમને પણ લુંટી લીધા હતા.
લુંટનો ભોગ બનનાર સકીલ અહેમદ ઝલીલ અહેમદ કુરેશી (૩૮) કાનપુર શહેરનાં વતની છે. તથા બુટ ચંપલ બનાવવાનું કારખાનું ધરાવે છે. અમદાવાદમાં રામોલ ખાતે તેમનાં મામા ખાલીદ ભાઈની દિકરીનાં લગ્ન હોવાથી છેલ્લા પંદર દિવસથી તે શહેરમાં રોકાયા હતાં. બુધવારે રાત્રે મામા ખાલીદભાઈના ઘરેથી જમ્યા બાદ સુવા માટે નજીકનાં સુંદરનગર ખાતે રહેતાં માસી પમ્મીના ઘરે જતાં હતાં.
આશરે સાડા દસ વાગે તે ગુજરાત બોટલીંગ ચાર રસ્તા ખાતે પહોંચ્યા એ સમયે રોડ પર ત્રણ ગુંડાઓ હાથમાં ખુલ્લી તલવારો સાથે ઉભા હતા. જેમણે અહેમદભાઈને અટકાવ્યા હતા. મોબાઈલ ફોન લુંટવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ અહેમદભાઈ ત્યાંથી ભાગતા પોતાની બહેનને ફોન કર્યો હતો.
જેથી ત્રણેય ગુંડાઓ પણ ખુલ્લી તલવારો સાથે તેમની પાછળ ભાગ્યા હતા. અને ચાલુ વાતે તેમનો ફોન ઝુંટવી લીધા બાદ એક ગુંડાએ તલવારના ઘા એકટીવામાં તોડફોડ કરી હતી. જયારે અન્ય બે એ તેમને પકડી લીધા અને ત્રીજા ગુંડા તત્વએ તેમનાં ૧૮ હજારની લુંટ ચલાવી હતી. બુમાબુમ થતાં રાહદારીઓ એકઠા થઈ જતાં ત્રણેય ગુંડા ત્યાંથી ભાગી ગયા હતા. આ દરમ્યાન અહેમદભાઈનાં મામા ત્યાં આવી પહોંચ્યા હતા.
લોકોને પુછપરછ કરતાં લુંટ કરનાર શખ્સો તુલસીઉર્ફે સાબુ કલ્યાણ ભટ્ટ રાહુલ કલ્યાણ ભટ્ટ (બંને રહે કિષ્નાનગરની ચાલી) તથા ત્રીજા શખ્સ પંકજ (શિવાનંદનગર) હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે અહેમદભાઈએ બાપુનગર પોલીસ મથકે ફરીયાદ કરતાં પોલીસે ત્રણેય લુખ્ખાઓની અટક કરવા તજવીજ હાથ ધરી છે.