બાપુનગરમાં ત્રણ તલાક આપી ઘરમાંથી કાઢી મૂકતાં પોલીસ ફરીયાદ
અમદાવાદ: કેન્દ્ર સરકાર દ્વારા કાયદો બનાવવામાં આવ્યો હોવા છતાં છાશવારે ત્રિપલ તલાકની ઘટનાઓ બહાર આવી રહી છે. કાયદાની ઐસી તૈસી કરીને કેટલાંક લોકો હાલ પણ પત્ની પર ત્રાસ ગુજાર્યા બાદ તેને ત્રણ વખત તલ્લાક કહીને ઘરમાંથી કાઢી મૂકવાનાં બનાવ પોલીસ ચોપડે નોંધાઈ રહ્યાં છે. ત્યારે ત્રિપલ તલાકની વધુ એક ફરિયાદ બાપુનગર પોલીસે નોંધી છે.
૨૩ વર્ષીય યુવતીનાં લગ્ન સમાજનાં રીવાજ મુજબ ચાર વર્ષ અગાઉ અબ્દુલ કાદીર શેખ સાથે થયા હતાં. તેમને કોઈ સંતાન નથી. ઘેર બેઠા સિલાઈ કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતી સમાને આશરે છ એક મહિનાથી તેનાં દિયર તથા સાસુ હેરાન કરતાં હતાં. તે પતિ અબ્દુલને ફરીયાદ કરતી તો પતિ પણ પરીવારનું ઊપરાણઉં લઈને સમા સાથે ઝઘડો કરીને માર મારતો હતો. કેટલાંક દિવસો અગાઊ પણ સમા સાથે તેના સાસરીયાઓએ ઝઘડો કર્યાે હતો. બાદમાં બધાએ ભેગાં થઈ સમાને મારી નાંખવાની અને અબ્દુલનાં બીજા લગ્ન કરાવવાની ધમકીઓ આપી હતી.
ઊપરાંત તેના પિતાને ઘરે સમાધાન માટે બોલાવતાં તેમની સામે સમાને ત્રણ વખત તલાક કહીને તલાક આપીને ઘરની બહાર કાઢી મૂકી હતી. જેનાં પગલે સમાંએ બાપુનગર પોલીસ સ્ટેશનમા પતિ સહિતનાં સાસરીયાઓ વિરુદ્ધ ફરીયાદ નોંધાવી છે.