બાપુનગરમાં પાસા બજવણી કરતાં રીઢા ગુનેગારે કોન્સ્ટેબલને મારી નાંખવાની ધમકી આપી
(પ્રતિનિધિ) અમદાવાદ: હાલમાં પોલીસ સાથે માથાકુટ કરતાં તત્વોની સંખ્યા ખુબ જ વધી ગઈ છે. આ સ્થિતિમાં બાપુનગર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલને પાસા ભરવા બાબતે એક રીઢા આરોપીએ જાનથી મારી નાખવાની ધમકી આપી છે. જયારે સરખેજમાં પ્રોહીબિશનની કાર્યવાહી દરમિયાન બુટલેગરના પરિવારે પોલીસ સાથે ઝપાઝપી કરવાના બનાવ સામે આવ્યો છે.
બાપુનગર પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા નરેન્દ્રસિંહ પાસા બજવણીના દસ્તાવેજ તૈયાર કરે છે કેટલાક દિવસો અગાઉ બાપુનગર, પ્રતિક ટેનામેન્ટમાં રહેતા ચીરાગ ભરત બારોટને પાસા અટકાયત કરવાનો આદેશ મળતા તેમણે ચીરાગને પાસા બજવણી કરી હતી જાેકે એ પછી બુધવારે બપોરે સાડા ત્રણ વાગ્યાના સુમારે શ્યામ સુદર નામના શખ્સે ફોન કરી તેમને ઈંગ્લીશ દારૂની બાતમી આપી હતી આ અંગે વધુ વાત કરે એ પહેલા જ અન્ય વ્યકિતએ ફોન ખેંચીને નરેન્દ્રસિંહ સાથે વાત કરતા કહયુ હતું કે હું ચીરાગ બોલું તુ બાતમીદારો રાખે છે.
મારી પર પાસા કેમ કરી છે કહીને ૪-પ દિવસમાં જાનથી મારી નાખીશ તેમ કહેતા નરેન્દ્રસિંહે તુરંત ઉપરી અધિકારીને જાણ કરી હતી પોલીસે આ અંગે તુરંત એકશન લેતા કોલ ટ્રેસ કરી શ્યામ સુદરને ઝડપી લેતા તેણે પણ ચીરાગે પોતાને ધમકાવીને ફોન કરાવ્યાનું કહયું હતું.
બાપુનગર પોલીસે ફરાર ચીરાગને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે જયારે નરેન્દ્રસિંહ ઉપરાંત શ્યામ શુદરે પણ ફરીયાદ નોંધાવી છે. બીજીતરફ બાતમીને આધારે સરખેજ પોલીસે કાર્યવાહી કરતા શંકરપુરામાં રહેતા બાબુ રાઠોડ તથા તેના પરીવારે પોલીસને ગાળો બોલી ઝપાઝપી કરી હતી પોલીસે તેના ઘરેથી દેશીદારૂનો જથ્થો જપ્ત કર્યો છે.