બાપુનગરમાં વાહનોમાં તોડફોડ કરતાં શખ્સોએ બે મહીલાઓ પર હુમલો કર્યો
અમદાવાદ : બાપુનગરમાં લગ્ન પ્રસંગે યોજાયેલા ગરબા બાદ કેટલાંક શખ્સોએ પાર્કીંગના વાહનોમાં લાતો મારીને બબાલ કરી હતી જેમાં બે મહીલાઓ ઉપર પણ હુમલો કરીને તેમની સાથે મારામારી કરવામાં આવતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોચ્યો છે.
સુધાબેન ચાવડા બાપુનગર મરઘા ફાર્મ ખાતે રહે છે તેમના ઘર નજીક આવેલા જમનાનગરમાં સગાના દિકરાના લગ્ન પ્રસંગમાં ગરબાનું આયોજન કરેલ હતું જયાં ઘરના બધા સભ્યો હાજર હા એ પછી રાત્રે સાડા અગિયાર વાગ્યાના સુમારે ઘરે પરત ફરતા જમનાનગરમાં રહેતા રણજીત, જડુ તથા હાર્દિક નામના શખ્સો સુધાબેનની સોસાયટીમાં આવ્યા હતા અને તેમના ઘર આગળ પાર્ક કરેલી મોટર સાયકલોમાં લાતો મારતા હતા જેથી સુધાબેને તેમને રોકતા ઉશ્કેરાયેલા ત્રણેય શખ્સોએ તેમને વાળ પકડીને ઢોર માર મારીને ઘસડયા હતા.
ઉપરાંત જડું એ પથ્થર લઈને સુધાબેનના કાન પર મારતા લોહી નીકળવા લાગ્યું હતું. આ જાઈ તેમના જેઠાણી મનીષાબેન વચ્ચે પડતા ત્રણયે તેમને પણ લાફા માર્યા હતા. બબાલના પગલે ગરબા રમતા લોકો પણ ઘટના સ્થળે આવી પહોચતા ત્રણેય શખ્સો વાહનોમાં તોડફોડ કરીને ફરાર થઈ ગયા હતા.
આ ઘટના બાદ સુધાબેન તથ મનીષાબેને હોસ્પીટલ ખાતે સારવાર લઈ બાપુનગર પોલીસ સમક્ષ પોતાનું નિવેદન આપ્યું હતું ફરીયાદના આધારે પોલીસે ત્રણેયને ઝડપી લેવા કાર્યવાહી આદરી છે.