બાપુનગરમાં વ્યાજખોરોનો આંતક
વ્યાજે લીધેલા નાણાં નહી ચુકવતા યુવકની દુકાન પડાવી લીધી |
(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં વ્યાજખોરોના આંતકથી અનેક પરિવારો બરબાદ થઈ રહયા છે ધંધાની જરૂરિયાત માટે નાણાં વ્યાજે લીધા બાદ પરત કરવામાં અશક્તિમાન બની જવાતા અનેક યુવકો વ્યાજના વિષચક્રમાં ફસાયેલા છે ખાસ કરીને શહેરના શ્રમિક વિસ્તારોમાં વ્યાજખોરોનો આંતક વધુ જાવા મળી રહયો છે.
આ પરિસ્થિતિમાં શહેરના બાપુનગર પોલીસ સ્ટેશન હેઠળના રખિયાલ વિસ્તારમાં એક દુકાનદારે ધંધાના વિકાસ માટે વ્યાજે લીધેલા નાણાં પરત નહી ચુકવી શકતા વ્યાજખોરોએ દુકાનદારની દુકાન પડાવી લીધી હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે ઔદ્યોગિક રીતે વિકસી રહેલા અમદાવાદ શહેરમાં અન્ય રાજયોમાંથી લોકો રોજીરોટી મેળવવા આવી રહયા છે ઉત્તર પ્રદેશના વતની મોહંમદ ઈશાક નામનો યુવક શહેરના રખિયાલ વિસ્તારમાં આવેલી મુલ્લા ઈબ્રાહીમની ચાલીમાં રહેતો હતો અને ગાયત્રીનગર નાકા પાસે મટનની દુકાન ધરાવતો હતો.
અગાઉ પોતાની દુકાન સારી રીતે ચાલે તે માટે વ્યાજખોરો પાસેથી પૈસા વ્યાજે લીધા હતા અને પ્રથમ વખત લીધેલા નાણાં સમયસર ચુકવી દીધા હતાં ત્યારબાદ આ યુવકે કેટલાક અન્ય વ્યાજખોરો પાસેથી પણ નાણાં વ્યાજે લીધા હતા પરંતુ ધંધામાં ખોટ જવાથી આ રૂપિયા પરત ચુકવી શકતો ન હતો જેના પરિણામે વ્યાજખોરો તેની પાસે કડક ઉઘરાણી કરતા હતાં.
સચિન રાજપુત, રણજીત રાજપુત, હંસરાજ, સીતારામ, સંજય ડાભી, યોગીભાઈ તથા પ્રકાશ નામના શખ્સો વ્યાજે આપેલા નાણાં પરત માંગી રહયા હતાં અને વારંવાર ધમકી પણ આપતા હતા ચોંકાવનારી બાબત એ છે કે વ્યાજખોરો ધમકી આપતા હતા કે વ્યાજ સાથે રૂ.૩ર લાખ ચુકવવાના બાકી છે તેથી તાત્કાલીક રૂપિયા ચુકવી દેવા જાઈએ પરંતુ યુવક તે ચુકવી શકયો ન હતો.
આ દરમિયાનમાં બે દિવસ પહેલા બપોરના સમયે આરોપીઓ તેની દુકાને ગયા હતા અને તેની સાથે બોલાચાલી કરી તેની દુકાન ખાલી કરાવી તેનો કબજા લઈ લીધો હતો અને આ દુકાન અન્ય કોઈને ભાડે આપી દીધી હતી. વ્યાજના વિષચક્રમાં ફસાયેલા મહંમદ ઈશાકે પોતાની દુકાન ગુમાવવાનો વારો આવ્યો છે વ્યાજખોરોના આંતક સામે આખરે મહંમદ ઈશારે આ સાતેય શખ્સો સામે ફરિયાદ નોંધાવતા બાપુનગર પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.