બાપુનગરમાં શટલ રીક્ષામાં ફરતી તસ્કર ટોળકી ત્રાટકી
મહિલા સાગરિત સાથેની તસ્કર ટોળકી સહપ્રવાસીના રૂપિયા બે લાખના સોનાના દાગીનાની ચોરી કરી ફરાર |
(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં કથળેલી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિમાં પગલે શહેરના નાગરિકો અસલામત બની ગયા હોય તેવુ ચિત્ર ઉપસી રહયુ છે એકબાજુ ટ્રાફિક ઝુંબેશમાં વાહન ચાલકો પાસેથી દંડ વસુલવામાં આવી રહયો છે ત્યારે બીજીબાજુ શહેરમાં તસ્કરો અને લુંટારુઓ નિર્દોષ નાગરિકોની પરસેવાની કમાણી લુંટી રહયા છે જેના પરિણામે ગરીબ અને મધ્યમવર્ગના લોકો કારમી મોઘવારીમાં મુશ્કેલીનો સામનો કરી રહયા છે.
શહેર પોલીસ ટ્રાફિક તંત્રની ઘોર બેદરકારીના કારણે અમદાવાદ શહેરમાં ખુલ્લેઆમ શટલ રીક્ષાઓ ફરી રહી છે અને તેનો જ લાભ લુંટારુ ટોળકીઓ ઉઠાવી રહી છે અને પ્રવાસીઓના કિંમતી સામાનની ચોરી અને લુંટની સંખ્યાબંધ ઘટનાઓ છતાં પોલીસ દ્વારા શટલ રીક્ષાઓને અટકાવવા માટે કોઈ જ કાર્યવાહી નહી કરાતા હવે નાગરિકોમાં રોષ ફેલાયો છે શહેરના બાપુનગર વિસ્તારમાં રીક્ષામાં ફરતી તસ્કર ટોળકી ત્રાટકી હતી અને એક મહિલા પ્રવાસીના રૂ.ર લાખની કિંમતના સોનાના દાગીનાની ચોરી કરી ટોળકી ફરાર થઈ જતાં સનસનાટી મચી ગઈ છે.
આ અંગેની વિગત એવી છે કે શહેરમાં ટ્રાફિક નિયમનના પગલે દ્વિચક્રીય વાહન ચાલકો પાસેથી દંડ વસુલવામાં આવી રહયો છે પરંતુ શહેરમાં ખુલ્લેઆમ ગેરકાયદેસર રીતે શટલ રીક્ષાઓ દોડી રહી છે જેની સામે ટ્રાફિક પોલીસ દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી. છેલ્લા કેટલાક સમયથી કેટલીક શટલ રીક્ષાઓમાં ચોરી અને લુંટની ઘટનાઓ ઘટી રહી છે.
શહેરના બાપુનગર વિસ્તારમાં ગાયત્રી મંદિરની પાછળ ગુજરાત હાઉસીંગ બોર્ડના મકાનમાં રહેતા પ્રિયાબેન મુદલીયાર બપોરના સમયે બાપુનગર ગાયત્રી મંદિર પાસેથી શટલ રીક્ષામાં બેસી અજીતમીલ સર્કલ જવા માટે બેઠા હતા આ શટલ રીક્ષામાં અગાઉથી જ બે પુરૂષો બેઠેલા હતા અને તેની સાથે એક સ્ત્રી પણ હતી જેના પરિણામે પ્રિયાબેન આ રીક્ષામાં બેસી ગયા હતા થોડેક આગળ ગયા હશે.
ત્યાં જ આ ટોળકીએ પ્રિયાબેનના ગળામાંથી સોનાનું મંગળ સુત્ર જેની કિ. રૂ.ર લાખ જેટલી થવા જાય છે તે ચોરી કરી લીધું હતું આ ટોળકી સહપ્રવાસીઓના કિંમતી સામાનની ચોરી કરતી હોય છે પ્રિયાબેન નીચે ઉતર્યાં ત્યારે ખબર પડી હતી કે તેમનું મંગળસુત્ર ચોરાઈ ગયું છે તેમણે બુમાબુમ કરતા આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા
પરંતુ રીક્ષાચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો પ્રિયાબેને આ અંગે બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ સબ ઈન્સ્પેકટર આ અંગે તપાસ કરી રહયા છે. આ ઘટનાથી સ્થાનિક નાગરિકોમાં ભારે ફફડાટ ફેલાયો છે.