Western Times News

Gujarati News

બાપુનગર, ગોમતીપુર સહિતના વિસ્તારોમાં પોલીસની મેગા ડ્રાઈવ

ઝોન-પ હેઠળના તમામ પોલીસ સ્ટેશનના વિસ્તારોમાં દારૂના
અડ્ડાઓ ઉપર રેડ પાડવા ઉચ્ચ પોલીસ કમિશ્નરનો આદેશ

(પ્રતિનિધિ) અમદાવાદ 04062019: અમદાવાદ શહેરમાંથી દારૂ જુગારની બદીને ડામી દેવા માટે શહેર પોલીસ કમિશ્નરે આપેલા સ્પષ્ટ આદેશના પગલે શહેરભરનું પોલીસતંત્ર સક્રિય બની ગયું છે અગાઉ સરદારનગરમાં દારૂની મેગા ડ્રાઈવ કરવામાં આવી હતી અને હવે પોલીસ તંત્ર દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં દારૂના અડ્ડાઓ ઉપર રેડ પાડવામાં આવી રહી છે.

આ દરમિયાનમાં ઝોન-પ માં આવતા બાપુનગર, રખિયાલ, ગોમતીપુર, અમરાઈવાડી, રામોલ સહિતના વિસ્તારોમાં મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યુ છે અને આ માટે સ્થાનિક પોલીસ ઉપરાંત ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ હાજર રહેવાના છે.

આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં ચાલતા દારૂ જુગારના અડ્ડા સામે પોલીસે સઘન ઝુંબેશ શરૂ કરી છે તેમ છતાં બુટલેગરો દ્વારા અવનવી મોડસ ઓપરેન્ડી વાપરી શહેરમાં દારૂ ઘુસાડવામાં આવી રહયો છે સ્થાનિક પોલીસ ઉપરાંત પોલીસ વિભાગની અન્ય એજન્સીઓ પણ ચાંપતી નજર રાખી રહી છે

શહેરના સોલા અને સેટેલાઈટ પીઆઈને ગઈકાલે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ફરજમાં બેદરકારી દાખવવા બદલ આ પગલુ ભરવામાં આવ્યું છે શહેરના સેટેલાઈટ પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં આવેલા એક વૈભવી મકાનમાંથી વિદેશી દારૂનો અડ્ડો પકડાયો હતો.

જયારે ગઈકાલે સોલા વિસ્તારમાં એક ફાર્મ હાઉસમાંથી વિદેશી દારૂનો અડ્ડો પકડાયો હતો આ બંને ઘટનાઓના પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ બંને પીઆઈઓને સસ્પેન્ડ કર્યા છે હવે વિદેશી દારૂની સાથે સાથે દેશી દારૂના અડ્ડાઓ ઉપર પણ રેડ પાડવામાં આવી રહી છે શહેરના તમામ વિસ્તારોમાં સ્થાનિક પોલીસને સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યા બાદ હવે પોલીસ સફાળી જાગી છે.

અગાઉ માત્ર સરદારનગરમાં ડ્રાઈવ કરવામાં આવતી હતી પરતુ હવે તમામ વિસ્તારોમાં આવી ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર ઝોન-પ ના અધિકારીઓ દ્વારા આ ઝોનમાં આવતા તમામ પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન કરવાનો આદેશ આપી દેવાયો છે જેના પગલે આજે સવારથી જ આ તમામ પોલીસ સ્ટેશનોમાં ભારે ધમધમાટ જાવા મળી રહયો છે

આ તમામ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન કરી દારૂના અડ્ડાઓ ઉપર રેડ પાડવામાં આવનાર છે અને આ માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપરાંત તમામ પોલીસ સ્ટેશનોનો સ્ટાફ હાજર રહેવાનો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.