બાપુનગર : લોકોના રૂપિયા ચાંઉ કરી ગયેલા મંડળ સંચાલક અને પુત્ર વિરુધ્ધ ફરીયાદ
રૂપિયા પરત માંગતા બંનેએ ધમકીઓ આપતા એજન્ટે ઝેરી દવા પીધી
(પ્રતિનિધિ) અમદાવાદ: શહેરમાં ગઠીયાઓ દ્વારા મંડળો કે અન્ય સંસ્થા બનાવી નાગરીકો પાસે રૂપિયા ઉઘરાવી છેતરપીંડી કરવાના બનાવો બને છે બાપુનગરમાં આવુ મંડળ બનાવી એજન્ટ દ્વારા રૂપિયા ઉસેડી લેવામાં આવ્યા હતા જાેકે એજન્ટ દ્વારા નાગરિકોના રૂપિયા પરત માંગતા મંડળના સંચાલકે ઝઘડો કરી મારવાની ધમકી આપતા તેણે ઝેરી દવા પીધી હોવાની ઘટના બહાર આવી છે.
આ અંગેની વિગત એવી છે કે પાંચેક વર્ષ અગાઉ મયુર પટેલ, મનોજ ડાભી, નિખીલ પટેલ તથા હરીશ વાઢેરએ ભેગા મળી પંચમ મોલ જીવનવાડી, નિકોલ ખાતે ઈસ્કોન એન્ટરપ્રાઈઝ મિત્ર મંડળ શરૂ કર્યુ હતું જેમાં પ્રવિણભાઈ સોલંકી (સંજયનગરના છાપરા, બાપુનગર)ને નોકરીએ રાખ્યા હતા જેમણે ૭ર વ્યક્તિઓને ટીકીટ વહેંચીને રૂપિયા ચારેય સંચાલકોને આપ્યા હતા જાેકે આ સ્કીમ વીસ મહીનામાં બંધ કરી તમામ સંચાલકો ફરાર થઈ ગયા હતા.
દરમિયાન હરીશ વાઢેર બાપુનગરમાં નવલખા બંગ્લો ખાતે રહેતા હોઈ પ્રવીણભાઈ અવારનવાર લોકોના રૂપિયાની ઉઘરાણી માટે જતા હતા જાેકે હરીશ વાઢેર તેમને વારંવાર વાયદા બતાવતા હતા. દરમિયાન પ્રવિણભાઈ મંગળવારે બપોરે ફરી હરીશ વાઢેર પાસે ઉઘરાણીએ જતા હરીશ તથા તેમનો પુત્ર અમિત પ્રવીણભાઈને બેફામ ગાળો બોલવા લાગ્યા હતા. ઉપરાંત જે થાય તે કરી લે તેમ કહી બીજી વખત ઘરે આવ્યો તો ટાંટીયા તોડી નાખવાની ધમકીઓ આપી જાતિ વિષયક અપમાન કર્યું હતું. આ ઘટનાથી તેમને લાગી આવતા તેમણે ઝેરી દવા પી લીધી હતી બાદમાં તેમને શારદાબેન હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યા હતા. બાપુનગર પોલીસે તેમની ફરીયાદના આધારે તપાસ હાથ ધરી છે.