બાબરીના ચુકાદા સાથે સ્પેશિયલ જજ રિટાયર થશે
લખનઉ, અયોધ્યામાં બાબરી મસ્જિદ વિવાદાસ્પદ બાંધકામ તરીકે ઓળખાતા ઢાંચાને તોડી પાડવાના કેસનો આજે ચુકાદો આપ્યા બાદ લખનઉના સ્પેશિયલ જજ જસ્ટિસ સુરેન્દ્ર કુમાર યાદવ રિટાયર થશે. આજે એમની કારકિર્દીનો અંતિમ દિવસ છે અને બાબરી કાંડ તેમનો છેલ્લો કેસ છે.
સુરેન્દ્ર કુમાર યાદવ સીબીઆઇની સ્પેશિયલ કોર્ટના જજ છે. કહેવાતી બાબરી મસ્જિક તોડી પાડવાના આ કેસમાં સેલેબ્રિટી કહેવાય એવા 32 આરોપીઓ છે જેમાં ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન લાલ કૃષ્ણ અડવાણી, ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન ડૉક્ટર મુરલી મનોહર જોશી, ફાયર બ્રાન્ડ નેતા વિનય કટિયાર, ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધા કલ્યાણ સિંઘ, મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન સાધ્વી ઉમા ભારતી, સાધ્વી ઋતંભરા વગેરેનો સમાવેશ થાય છે.
જસ્ટિસ સુરેન્દ્ર કુમાર યાદવની અયોધ્યા સાથે બહુ જૂની લેણદેણ છે. અગાઉ આ શહેર ફૈઝાબાદ તરીકે જાણીતું હતું. સુરેન્દ્ર કુમાર યાદવ જજ થયા ત્યારે એમનું પહેલું પોસ્ટિંગ પણ ફૈઝાબાદ એટલે કે આજનું અયોધ્યા હતું. આજે તેમનું છેલ્લું પોસ્ટિંગ પણ અયોધ્યા છે. એમને પહેલું પ્રમોશન પણ ફૈઝાબાદમાં મળ્યું હતું.