બાબા કા ઢાબાનાં કાંતા પ્રસાદે આત્મહત્યાનો પ્રયત્ન કર્યો
નવીદિલ્હી: સોશિયલ મીડિયાનાં કારણે તેમના ઢાબા માટે દેશભરમાં પ્રખ્યાત બનેલા બાબા કા ઢાબાનાં કાંતા પ્રસાદને દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળી રહેલી માહિતી અનુસાર, બાબા કા ઢાબાનાં વડીલ કાંતા પ્રસાદે આજે આત્મહત્યાનો પ્રયત્ન કર્યો છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જણાવાયું છે. તાજેતરમાં, તેમણે યુટ્યુબરની માફી માંગી હતી જેણે અગાઉ લોકડાઉન દરમ્યાનમાં બાબાનો વીડિયો બનાવ્યો હતો અને તે રાતો-રાત પ્રખ્યાત થઈ ગયા હતા.
દિલ્હી પોલીસનાં જણાવ્યા અનુસાર, કાંતા પ્રસાદે સૂવાની ગોળીઓ ખાઇ લીધી હોવાનુ સામે આવ્યુ છે. કાંતા પ્રસાદને સફદરજંગ હોસ્પિટલનાં આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ તપાસ કરી રહી છે કે કાંતા પ્રસાદે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો કેમ? આ મામલે તપાસ ચાલી રહી છે. કાંતા પ્રસાદે દારૂ પણ પીધો હતો.
જણાવી દઇએ કે, કાંતા પ્રસાદ દક્ષિણ દિલ્હીનાં માલવીયા નગર વિસ્તારમાં પોતાનો ઢાબો ચલાવતા હતા. પોલીસે જણાવ્યું કે, ગુરુવારે રાત્રે પીસીઆરને ફોન આવ્યો કે કોઈએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે તેઓએ ૮૦ વર્ષિય કાંતા પ્રસાદને જાેયા. કાંતા પ્રસાદની પત્ની બાદામા દેવીએ પોલીસને જણાવ્યું હતું કે તેમના પતિ છેલ્લા કેટલાક દિવસોથી તણાવમાં હતા.
કાંતા પ્રસાદ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયો દ્વારા દેશભરમાં ચર્ચામાં આવ્યા હતા. ઘણા લોકોએ તેની મદદ માટે મદદનો હાથ લંબાવ્યો હતો, ત્યારબાદ તેની આર્થિક સ્થિતિ વધુ સારી થઈ ગઈ હતી. કાંતા પ્રસાદે નવી રેસ્ટોરન્ટ ખોલી હતી, પરંતુ તે લગભગ ૪ મહિના પહેલા બંધ થઈ ગઈ હતી. આને કારણે તેણે ફરીથી તેના ઢાબા પર ખાવાનું વેચવાનું શરૂ કર્યું હતું. બાબાનાં તેમના જૂના સ્થળે પાછા ફરવા પર, યુટ્યુબર ગૌરવ વાસને કહ્યું, “આ દુનિયામાં કર્મથી ઉપર કંઈ નથી.”જ