બાબા રામદેવના દાવા સાથે સહમત નથી આયુષ મંત્રાલય
નવીદિલ્હી: પતંજલિએ દાવો કર્યો છે કે ‘કોરોનિલ’થી કોરોનાની ૧૦૦ ટકા સારવાર થઈ શકે છે. યોગ ગુરુ રામદેવે આ દવાને કોરોના સામે અસરકારક ગણાવી હતી અને કહ્યું હતું કે તેમની દવા ‘કોરોનિલ’થી દર્દીઓ સાત દિવસમાં ૧૦૦ ટકા સાજા થઈ ગયા છે. ‘કોરોનિલ મેડિસિન’માં સો ટકા રિકવરી દર અને શૂન્ય ટકા મૃત્યુ દર છે. જો કે ભારત સરકાર હેઠળનું આયુષ મંત્રાલય યોગગુરુના દાવા સાથે સહમત નથી.
ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી એક્ટ ૨૦૦૫ હેઠળ જો કોઈ વ્યક્તિ ખોટો દાવો કરે છે તો તેને શિક્ષાપાત્ર ગુનો માનવામાં આવે છે. જ્યાં સુધી કોરોનિલ દવાને લઈને દાવાની વાત છે તો તે સંબંધિત કાયદાની જોગવાઈનું ઉલ્લંઘન છે. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે કોરોનિલ દાવા પર કાયદો શું કહે છે?
ક્રિમિનિયલ લોયર અને આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ કોર્ટમાં ડ્યૂટી કાઉન્સિલ દીપક આનંદ મસીહના જણાવ્યા મુજબ કાયદો દવા બનાવવાનો પરવાનો આપે છે. ડીએમએ કાયદો (ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી એક્ટ ૨૦૦૫) સામે વાંધો ૧૦૦% ઇલાજ હોવાનાના આ દાવા પર છે. જેમાં સજા એક વર્ષથી સાત વર્ષ સુધીની હોઈ શકે છે. આ વૈશ્વિક રોગચાળો છે તેથી વિદેશમાં પણ કેસ દાખલ કરી શકાય છે. એ જ રીતે જેમ અમેરિકામાં ચીન વિરુદ્ધ કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય કે, આયુષ મંત્રાલયે ઇલેક્ટ્રોનિક મીડિયાના સમાચારોના આધારે આ બાબતને પહેલાથી ધ્યાનમાં લીધી છે. મંત્રાલયનું કહેવું છે કે કંપની દ્વારા કરવામાં આવેલા દાવાઓના વાસ્તવિક અને વૈજ્ઞાનિક અભ્યાસ અંગે મંત્રાલય પાસે કોઈ માહિતી પહોંચી શકી નથી.મંત્રાલયે કંપનીને આ સંદર્ભમાં સૂચના આપતા કહ્યું છે કે ૧૦૦% કોરોનાની સારવાર અસરકારક હોવાનો દાવો કરતા દવાનો પ્રચાર કરવો તે ડ્રગ્સ અને મેજિક રેમેડિઝ (વાંધાજનક જાહેરાત) અધિનિયમ ૧૯૫૪ નું ઉલ્લંઘન છે.
જો કે, પાછળથી યોગ ગુરુ રામદેવે સ્પષ્ટતા કરતા કહ્યું કે સરકાર સાથે કોમ્યુનિકેશન ગેપ થઈ ગયો હતો. તેથી આ પરિસ્થિતિ ઉભી થઈ. એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા યોગ ગુરુ રામદેવે કહ્યું કે આ સરકાર આયુર્વેદને પ્રોત્સાહન અને ગૌરવ અપાવનારી રહી છે. જે કોમ્યુનિકેશન ગેપ છે તે દૂર થઈ ગયો છે. અને જેટલા પણ સ્ટાન્ડર્ડ પેરામિટર્સ છે. તે તમામને ૧૦૦% પૂર્ણ કરવામાં આવ્યા છે. અમે તેની તમામ માહિતી આયુષ મંત્રાલયને આપી દીધી છે.