બાબા સહગલના પિતાનું કોરોના વાયરસથી નિધન
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/04/Baba-Sehgals-scaled.jpg)
મુંબઈ: ૧૯૯૦ના દાયકાના પોપ્યુલર પોપ સિંગર બાબા સહગલના પિતાનું મંગળવારે સવારે કોરોના વાયરસના કારણે નિધન થયું છે. બાબા સહગલે સોશિયલ મીડિયા પર પોતાના ફેન્સને આ સમાચાર આપ્યા. બાબા સહગલે તેમના પિતા અને પરિવારના સભ્યોના ફોટોગ્રાફ્સ અને વિડીયો શેર કર્યા છે.
સિંગર બાબા સહગલે પોતાની પોસ્ટમાં લખ્યું કે આજે સવારે પિતાજી અમને છોડીને જતા રહ્યા. આખું જીવન કોઈ યોદ્ધાની માફક લડ્યા પણ કોરોનાની સામે હારી ગયા. પ્લીઝ તમે પણ તેઓને પ્રાર્થનામાં યાદ રાખજાે. બધા સુરક્ષિત રહો અને તમામ લોકો પર ઈશ્વરની કૃપા રહે.
બાબા સહગલની પોસ્ટ પર અભિષેક બચ્ચન, વીર દાસ અને ગુલશન દેવૈયા સહિતના બોલિવૂડ સેલેબ્સે કોમેન્ટ કરતા શોક વ્યક્ત કર્યો છે. જ્યારે બાબા સહગલના ફેન્સે બાબા સહગલના પિતાના નિધન પર શ્રદ્ધાંજલિ અર્પિત કરી. બાબા સહગલે હાલમાં જ કોરોના વેક્સિનનો ડોઝ લીધો હતો અને સોશિયલ મીડિયા પર જાણકારી આપી હતી.
બાબા સહગલને પ્રથમ હિન્દી રેપ મેગાસ્ટાર તરીકે ઓળખવામાં આવે છે. વર્ષ ૧૯૯૦માં કરિયરની શરૂઆત કરનાર બાબા સહગલ ઈન્ડિપોપમાં જાણીતું નામ બની ગયા હતા. તેમણે વર્ષ ૨૦૦૬માં બિગ બોસમાં પણ ભાગ લીધો હતો.