બાયડઃ યુ જી વી સી એલ તંત્રની લાલિયાવાડી. લીંબ ફીડર કાયમ ખોટકાયેલું જ રહે છે
એક બાજુ રાજ્ય સરકાર તરફથી ખેડૂતોને દિવસે વિજળી મળી રહે તે માટે ઠેર ઠેર કિસાન સુર્યોદય યોજનાનો કાર્યક્રમ યોજી શુભારંભ કરવામાં આવી રહ્યો છે જ્યારે તેનાથી ઉલટું બાયડ તાલુકાના લીંબ ફીડરના ક્રુષિ વિજ જોડાણ ધરાવતા ખેડૂતો વિજતંત્રની લાલિયાવાડી સામે રોષે ભરાયા છે.
લીંબ વિજ ફીડરમાં ખેડુતોને નિયત સમય પત્રક કરતાં રોજેરોજ ચારથી પાંચ કલાક મોડી વિજળી આપવામાં આવે છે. જેથી ખેડૂતોને વિજળીની કાગડોળે રાહ જોઈ ખેતરમાં બેસી રહેવાનો વારો આવ્યો છે. વિજતંત્રમાંં ફોન કરતાં જમ્પર બળી ગયું છે સ્ટાફ મોકલી દીધો છે. એવી કાયમી રેકર્ડ સાંભળવા મળે છે. એમ ખેડૂતો જણાવી રહ્યા છે. ટૂંકમાં બાયડ તાલુકાના વિજતંત્ર એ રાજ્ય સરકારની ખેડુત સુખાકારી યોજનાને ખોટી પાડવાનું બીડું ઝડપ્યું હોય તેમ લાગી રહ્યું છે.
ટૂંકમાં જે હોય તે પણ વિજતંત્રના ઉચ્ચ અધિકારીઓએ લીંબ ફીડરના ખેડુતોની હૈયાવરાળને ધ્યાનમાં લઈ ઘટતું કરાવી ખેડુતોને પડતી મુશ્કેલીઓ દુર કરવાની જરૂર છે. દિલીપ પુરોહિત. બાયડ