બાયડના ગ્રામ્ય વિસ્તારના ચાર મંદિરમાં તસ્કરોનો તરખાટ
બાયડ:બાયડ પંથકમાં તસ્કરોએ જાણે ધામા નાખ્યા હોય તેમ ૨૦ સપ્ટેમ્બરના રોજ બાયડથી ગાબટ રોડ પર આવેલ અદાના છાપરા ગામની સીમમાં એક ખેડૂતે મહામહેનતે તૈયાર કરેલ ચંદનના ઝાડ કાપી લઈ જઈને અંદાજે ૩ લાખની તસ્કરી કરાઈ હતી. ત્યારે ગત બે દિવસમાં બાયડના રડોદરા ગામે તસ્કરોએ ભગવાનનો ડર રાખ્યા વગર પાંચ મંદિરોને નિશાન બનાવ્યા હતા અને મંદિરની દાનપેટીઓ તોડી રોકડની ચોરી કરી લઈ પલાયન થઈ ગયા હતા.
તસ્કરો ચોરીઓ કરવા માટે કોઈ પણ તુક્કા શોધી કાઢતા હોય છે. વાહન ચોરી, ચીલ ઝડપ, લૂંટ, ઘરફોડ સહિત તસ્કરોને જાણે ભગવાનનો પણ ડર ન હોય તેમ મંદિરોને પણ છોડતા નથી. વધુમાં ખેડૂતોએ મહામહેનતે ઉભી કરેલી ખેત પેદાશોને પણ તસ્કરો નિશાન બનાવી પાયમાલ કરી દેતા હોય છે.
બાયડના રડોદરા ગામમાં તસ્કરોએ ધામા નાખ્યા હોય તેમ બે દિવસમાં પાંચ મંદિરોમાં ચોરી કરી હતી. જેમાં ૮ તારીખની રાત્રીએ સ્વામિનારાયણ મંદિરમાં ત્રાટકી દાનપેટી તોડી હતી અને દાનપેટીમાંથી પાંચ હજારની રોકડની ચોરી કરી લીધી હતી. ચોરીઓનો સીલસીલો તસ્કરોએ ચાલુ રાખ્યો હોય તેમ ૯ તારીખની રાત્રીએ પણ આ જ ગામમાં તસ્કરોએ ફરીથી હાથ અજમાવ્યો હતો અને શ્રી રામજી મંદિરમાંથી ઈકો સીસ્ટમ અને ૪ હજાર રોકડ, શ્રી વૈરઈ મંદિરમાંથી બે હજાર રોકડ, શ્રી હનુમાનજી મંદિરમાંથી બે હજાર રોકડ અને શ્રી બહુચરામાતાજીના મંદિરમાંથી પણ બે હજારની રોકડની મત્તાની ચોરી કરી લીધી હતી.
આ અંગે ગામ લોકોએ જણાવ્યું હતું કે સવારે મંદિરોમાં પૂજારીઓ જતાં તેઓને દાનપેટી તુટેલી જણાઈ હતી. જેના પગલે પૂજારીઓએ ગામલોકોને ચોરી થયા અંગેનું જણાવ્યું હતું. જો કે રડોદરા ગામમાં પાંચ મંદિરોમાં ચોરીઓ થઈ હોવા અંગે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ ન હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ જિલ્લામાં ગામડાઓમાં પોલીસ પેટ્રોલીંગના અભાવે તસ્કરોને મોકળું મેદાન મળતું હોય સમયાંતરે ગામડાઓમાં પોલીસ રાત્રી પેટ્રોલીંગ કરે તેવી ગામલોકોમાં માંગ થઈ રહી છે