બાયડના નંદનવન ફ્લેટમાં સુવિધાના નામે મીંડુંઃ નગર પાલિકામાં રજુઆત
(તસ્વીરઃ દિલીપ પુરોહિત, બાયડ) બાયડ નગર પાલિકા વિસ્તારમાં આવેલા નંદનવન ફ્લેટના રહિશોએ બિલ્ડર દ્વારા તેમને પ્રાથમિક સુવિધાઓથી વંચિત રાખી પુરી નહી પાડવામાં આવતાં નગરપાલિકા બાયડ ખાતે બિલ્ડરો સામે રજુઆત કરી રણશિંગું ફુંક્યું છે. જો હજુ પણ બિલ્ડરો દ્વારા સુવિધાઓ પુરી પાડવામાં નહીં આવે તો નંદનવન ફ્લેટના રહિશો રોષે ભરાયેલા છે.
બાયડ નગરપાલિકાના ચીફ ઓફિસરને નંદનવન ફ્લેટના રહિશોએ આપેલા આવેદનપત્રમાં જણાવ્યા મુજબ,બિલ્ડરો દ્વારા મંજુર પ્લાનમાં બતાવેલ સુવિધા જેવી કે ર્પાકિંગ, લિફ્ટ,ગેટ, ડટણ,ફાયર સેફ્ટી, મીટર લાઇટ ફીટીંગ, બગીચો જેવી કોઈ સુવિધાઓ પૂરી પાડેલ નથી અને નીચે ર્પાકિંગમાં ખોટા બે મકાન બિનકાયદેસર બનાવેલ છે. મકાનનું પજેશન પણ અમને આપેલ નથી તથા પીવાના પાણીની પણ સુવિધા નથી અને પાણી પીવાલાયક પણ નથી.
આ બાબતે નંદનવન ફ્લેટના તમામ રહિશો ધ્વારા બિલ્ડરના ઓથોરાઇજ (ભરતભાઇ અને જીતુભાઈ)ને રૂબરૂ બોલાવવીને વારંવાર રજૂઆત કરવા છતાં અમારી સમસ્યાઓનું સમાધાન કરવામાં આવેલ નથી અને નંદનવન ફ્લેટમાં ૩ વિકલાંગ વ્યક્તિઓ રહેતી હોવાથી તેમને લિફ્ટની સુવિધા પણ મળતી નથી.
વધુમાં અમને ૨૪ મકાનમાં બિલ્ડર ધ્વારા ૩ ડટણ બનાવેલ છે તેવું જણાવેલ છે પરંતુ એક જ ડટણ ચાલુ હોવાથી બીજા બે ડટણ ખાલી ખાડા કરી આપેલ છે. એક ડટણ હોવાથી અવારનવાર ઉભરાઇ જવાથી ડટણનું ગંદુ પાણી નંદનવન ફ્લેટના કોમન પ્લોટમાં જાય છે, જેના કારણે નંદનવન ફ્લેટના તમામ રહિશો ગંદકીથી પરેશાન થઈ ગયા છે. અને આગળ ચોમાસાની સિઝન નજીક હોવાથી રોગચાળો ફાટી નીકળવાની દહેશત સેવાઈ રહી છે.