બાયડના પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા ભાજપમાં જોડાતા પહેલા બાયડની મુલાકાતે
(પ્રતિનિધિ) બાયડ, બાયડ-માલપુરના પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા ભાજપમાં કેસરિયો ધારણ કરે તેના થોડાક કલાકો પહેલા રાજકારણમાં જ્યાંથી પગલું ભર્યું હતું તેવા બોરમઠ ગામની મુલાકાત લીધી હતી અને જીતપુર ગામે મહાકાળી માતાજીના દર્શન કરી બાયડ પહોંચતા બાયડ ભાજપના અગ્રણીઓ અને કાર્યકરોએ ઢોલ-નાગર સાથે કુમકુમ તિલક કરી ફુલહાર પહેરાવી આવકાર આપ્યો હતો બાયડ થોડો સમય રોકાણ કરી માતા-પિતાના આશીર્વાદ લીધા લઈ ગાંધીનગર કમલમ ખાતે જવા રવાના થયા હતા.
બાયડ-માલપુરના પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાના જણાવ્યા અનુસાર કોંગ્રેસ છોડવા અને ભાજપમાં જોડાવવાને લઈને જણાવ્યું હતું કે અમારી વિચારધારા ભાજપ સાથે મળતી આવે છે. કોંગ્રેસ પક્ષમાં નેતાઓ મહાન થઈ જાય છે માટે જ અમે કોંગ્રેસ છોડવાનો નિર્ણય લેવા મજબુર બન્યા હોવાનું જણાવી પ્રદેશ કોંગ્રેસ પક્ષની કામગીરી અંગે ચાબખા ઝીંકી વધુમાં જણાવ્યું હતુંકે, ગ્રુપીઝમના કારણે કોંગ્રેસમાં સ્થાનિકોને અન્યાય કરવામાં આવે છે. પ્રજા સાથે અન્યાય થતા અમારે કોંગ્રેસ છોડવી પડી. સાથે જ તેમણે ધડાકો કરતા કહ્યું હતું કે, કોંગ્રેસના ૧૮ થી વધુ ધારાસભ્યો ભાજપના સંપર્કમાં હોવાનું રટણ કર્યું હતું.
ધવલસિંહ ઝાલાના પિતા અને કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટાયેલા બાયડના પૂર્વ ધારાસભ્ય નરેન્દ્ર સિંહે ઝાલાએ પણ ભાજપ પર હેત વરસાવ્યું હતું અને જણાવ્યું હતું કે સમગ્ર દેશની જનતાએ ભાજપ પર ભરોસો મૂક્યો છે. ભાજપમાં જનતાનું હિત દેખાય છે. અમારે કોંગ્રેસ સાથે કોઈ સંઘર્ષ નથી. કોંગ્રેસની કાર્ય પદ્ધતિ, રીતિ – નીતિથી સંતોષ ન થયો. પ્રજાની અપેક્ષાઓ કોંગ્રેસ પૂર્ણ કરી શકે તેમ નથી. અમે કોઈપણ લોભ – લાલચ વગર ભાજપમાં જોડાઈ રહ્યાં છીએ તેમ તેમણે કહ્યું હતું.*