બાયડના ફતેપુરા ગામે ઢોર અને બળતણની જગ્યા પર ભૂ માફિયાઓનો કબ્જો કરતા બાયડ-દહેગામ રોડ પર ચક્કાજામ
પ્રતિનિધિ દ્વારા ભિલોડા: અરવલ્લી જીલ્લામાં ગૌચર અને સરકારી પડતર જમીનો પર સ્થાનિક લોકોએ કબ્જો કરી ગેરકાયદેસર નાના- મોટા બાંધકામો કરી દબાણ કરી ભોગવટો કરી દીધો છે જીલ્લાના ગૌચરોની મોટાભાગની જમીન ખેતરોમાં ભળી ગઈ છે
ત્યારે બાયડના ફતેપુરા ગામમાં ૬૦ વર્ષથી ઢોર અને બળતણ માટે અનામત રાખેલી જગ્યા પર ભૂ માફિયાઓએ કબ્જો જમાવી દેતા તંત્રમાં વારંવાર રજુઆત કરવા છતાં સમસ્યાનું નિરાકરણ ન આવતા ગ્રામજનોએ બાયડ-દહેગામ રોડ પર ચક્કાજામ કરી મામલતદાર ચોર છે ના સૂત્રોચ્ચાર સાથે મામલતદારની સાંઠગાંઠ હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કરતા પોલીસ અને તંત્ર દોડતું થયું હતું અને ગ્રામજનો સાથે ચર્ચા કરી ચક્કાજામ દૂર કર્યો હતો.
ફતેપુરા ગામના ગ્રામજનોએ ગામમાં ઢોર-ઢાંખર અને બળતણ માટે રાખેલી જગ્યા પર ભૂ માફિયાઓએ દબાણ કરતા ગ્રામજનોએ વારંવાર રજુઆત કરવા છતાં દબાણ દૂર ન થતા આખરે ગ્રામજનોએ સતત વાહનોથી ધમધમતા બાયડ-દહેગામ રોડ પર ઉતરી આવ્યા હતા
રોડ પર બેસી જવાની સાથે આડાશ મૂકી રોડ બ્લોક કરી દેતા વાહનોનો ખડકાળ ખડકાયો હતો ગ્રામજનોએ મામલતદાર ચોર છે અને ન્યાયના બેનર સાથે સૂત્રોચ્ચાર કરતા પોલીસ અને તંત્ર દોડતું થયું હતું અને યોગ્ય કાર્યવાહી કરવાની બાંહેધરી આપતા ગ્રામજનોએ ચક્કાજામ દૂર કર્યો હતો.
રોડ પર ચક્કાજામ પર બેઠેલા લોકોએ બાયડ મામલતદારની ભૂ માફિયાઓ સાથે મીલીભગત હોવાથી ભૂ માફિયાઓ ફાટીને ધુમાડે ગયા છે તેમજ ઢોર-ઢાંખર અને બળતણ માટેની જગ્યામાં વાવેલ વૃક્ષો ગ્રામ પંચાયત કે વનવિભાગને જાણ કર્યા વગર બરોબર ભૂ માફિયાઓને વૃક્ષો કાપવાનો આદેશ આપી જમીન પર કબ્જો કરવા પ્રોત્સાહન આપી રહ્યા હોવાના ગંભીર આક્ષેપ કર્યા હતા મામલતદાર સામે ગંભીર આક્ષેપ થતા ભારે ચકચાર મચી છે. લી.જીત હરેશભાઈ ત્રિવેદી,ભિલોડા,જી.અરવલ્લી