બાયડના ભરવાડના મુવાડા ગામે રસ્તામાં વરસાદ પડતાની સાથે પાણી ભરાઈ જતાં લોકો પરેશાન
લૉક ગામના તેમજ ભરવાડના મુવાડા ગામના રહીશોના જણાવ્યા મુજબ લૉક થી ભરવાડના મુવાડા ગામે જતાં રસ્તામાં લૉક પ્રાથમિક શાળા જોડે વરસાદ પડતાંની સાથેજ કેડ સમા પાણી ભરાઈ ગયા છે, જેથી ત્યાંથી લૉક પંચાયતના પેટાપરા ભરવાડના મુવાડા ગામમાં અવર જવર કરવામાં ગ્રામવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, તેમજ મચ્છરના ઉપદ્રવથી પરેશાન થઈ ગયા છે. હજુતો ચોમાસાની શરૂઆત છે
ત્યાં આ પરિસ્થિતિ છેતો,જ્યારે ચોમાસુ જામશે ત્યારે વધુ વરસાદ પડતાંની સાથે ભરવાડના મુવાડા ગામ સંપર્ક વિહોણું થાયતો નવાઇ નહીં હોય. ચોમાસા દરમિયાન રસ્તામાં પાણી ભરાઈ જવાના કારણે અહીં ૧૦૮ જેવી ઇમરજન્સી સેવા પણ મળી શકતી નથી, ઘણીવારતો અબોલ પશુઓને પણ સારવાર ન મળવાને કારણે મોતને ભેટે છે અને લોકોને પારાવાર નુકશાની ભોગવવાનો વારો આવે છે. ચોમાસા દરમિયાન બાળકો પણ શાળાએ જઈ શકતાં નથી.
વધુમાં ભરવાડના મુવાડા ગ્રામવાસીઓ દ્વારા સ્થાનિક તંત્ર દ્વારા વિકાસથી વંચિત રાખતા હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. ભરવાડના મુવાડા ગ્રામવાસીઓના જણાવ્યા મુજબ ગામમાં ચોમાસા દરમિયાન વરસાદના પાણીનો કોઈ નિકાલ ન હોવાના કારણે દરેક જગ્યાએ પાણી ભરાઈ રહે છે અને કાદવ કીચડ થઇ જાય છે જેથી ગામમાં અવર જવર કરવાના મુખ્ય રસ્તાઓ બંધ થઈ જાય છે કેડસમા પાણીમાં થઈને લોકોને અવર જવર કરવી પડે છે, તેમજ મચ્છરનો ઉપદ્રવથી લોકો બીમારીઓનો ભોગ બને છે.
ગ્રામવાસીઓ દ્વારા મીડિયાના માધ્યમથી સરકારશ્રીને અને તંત્રમાં માંગ કરવામાં આવી છેકે, તાત્કાલિક તેમની સમસ્યાઓનું નિરાકરણ કરી તંત્ર દ્વારા રોડ રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવે.