બાયડમાં આકાશી ભેદી ધડાકાથી લોકોના જીવ તાળવે બંધાયા
ધડાકાના તિવ્ર અવાજથી લોકો ઘરની બહાર દોડ્યા,અવકાશી ઘટના ટોક ઓફ ઘી ટાઉન
અરવલ્લી જિલ્લામાં બે દિવસથી વીજળીના કડાકા ભડાકા સાથે મેઘ મહેર થઈ રહી છે. ત્યારે બાયડ શહેરમાં આજે વિચિત્ર અવકાશી ઘટના સર્જાઈ હતી. શહેરમાં વરસાદ કે ગાજવીજ ન થતો હોવા છતાં ગુરૂવારના બપોરના સમયે આકાશમાં આંખો આંજી દે તેવા પ્રકાશ સાથે ભેદી ધડાકો થયો હતો. જેના પગલે શહેરીજનો હેબતાઈને ઘરની બહાર નીકળી ગયા હતા. ધડાકાના પ્રચંડ અવાજથી જાણે ધરતીકંપ આવ્યો હોય તેવી કંપારી થવા લાગી હતી.
ચારથી પાંચ સેકન્ડની અવકાશી ઘટનાથી લોકોના જીવ રીતસરના તાળવે બંધાઈ ગયા હતા. બપોર બાદ શહેરમાં એક જ ચર્ચા ચાલી હતી કે આવો પ્રચંડ ધડાકો ભૂતકાળમાં કોઈ વડીલોએ પણ સાંભળ્યો નથી ત્યારે આ વિચિત્ર ઘટનાનો મુદ્દો ટોક ઓફ ધ ટાઉન રહ્યો હતો.લોકોના જણાવ્યા અનુસાર બપોરના સમયે આકાશમાં ભેદી અવાજ થતા જાણે કોઈએ અણુબોમ્બથી હુમલો કર્યો હોય તેવો અનુભવ થયો હતો જોકે પ્રચંડ વિસ્ફોટના લીધે શહેરમાં કેટલીક જગ્યાએ કાચા મકાનોમાં તિરાડો પડી ગઈ હોવાનું લોકો જણાવી રહ્યા છે આ ઉપરાંત ઘટના સમયે થોડીવાર પૂરતો વીજપુરવઠો પણ ખોરવાઈ ગયો હતો.