બાયડમાં વૃદાવન હોટલ આગળથી બે પીકઅપ ડાલા માંથી ૪૦૮૨ બોટલ દારૂ જપ્ત: પોલીસની સંડોવણી હોવાનો આક્ષેપ
બાયડ, ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના પોકળ દાવા વચ્ચે ચૂંટણીનો જંગ જીતવા ઉમેદવારો મતદારોને રીઝવવા દેશી-વિદેશી દારૂની શરણે પહોંચી રીતસરની દારૂની નદીઓ વહેડાવતાં હોય છે બાયડ પેટા વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે મતદાનના ૪૮ કલાક પહેલા બાયડ વિધાનસભા સીટના પ્રભારી અને ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા જે હોટલમાં રોકાતા હતા તે હોટલ આગળ બે પીકઅપ ડાલામાંથી કોંગ્રેસ જિલ્લા પંચાયત સદસ્ય કીર્તિ પટેલ અને પ્રજાજનોએ જનતા રેડ કરી પીકઅપ ડાલામાંથી ૨.૩ લાખ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડતા અને જનતા રેડના વિડીયો સોશ્યલ મીડિયામાં વાઈરલ થતા જિલ્લા પોલીસતંત્ર ઊંધા માથે પછડાયું હતું
શનિવારે રાત્રે, ડેમાઈ જિલ્લા પંચાયત સીટના કીર્તિ પટેલે અને પ્રજાજનોએ બાયડની વૃંદાવન હોટલ આગળ બે પીકઅપ ડાલામાં વિદેશી દારૂ ભરેલ પકડી પાડ્યા હતા પીકઅપ ડાલાના ડ્રાઈવરએ લોકો સમક્ષ નિવેદન આપ્યું હતું કે, ઇસરી પોલીસ સ્ટેશનના પીએસઆઈ તબિયાડ અને રાઈટરે પીકપડાલામાં માલસામાન ભરી આપ્યો હોવાનું અને દારૂ ભરેલ હોવાથી અજાણ હોવાનો ડોળ કરતા લોકોએ પીકઅપ ડાલુ તેના હાથે ખોલાવી અંદર વિદેશી દારૂ ભરેલી પેટીઓ બતાવી હતી જે અંગેનો સોશ્યલ મીડિયામાં વાઈરલ થતા રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે.
ડેમાઈ જિલ્લા પંચાયત સદસ્ય કીર્તિ પટેલના જણાવ્યા અનુસાર વૃદાવન હોટલમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા રોકાતા હતા અહીં તેમની મુલાકાતે જિલ્લા પોલીસવડા મયુર પાટીલ સહીત અનેક અધિકારીઓ તેમને મળવા આવતા હતા તે જ જગ્યાએથી વિદેશી દારૂ ભરેલ બે પીકઅપ ડાલા પકડાતા ગાંધીના ગુજરાતમાં દારૂબંધી અંગે હવે શું કહેવું…? આ બંને પીકપડાલા માં વિદેશી દારૂનો જથ્થો પોલીસ રક્ષણ સાથે પહોંચ્યો હોવાનું જણાવ્યું હતું . બાયડ પોલીસે વૃંદાવન હોટલ આગળ થી બે પીકઅપ ડાલામાંથી ૨.૩ લાખ વિદેશી દારૂનો જથ્થો પકડાયો હોવાની ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી