બાયડ એસ.ટી. ડેપો મેનેજરના તઘલખી ર્નિણયોથી મુસાફરો મુશ્કેલીમાં
(પ્રતિનિધિ) બાયડ, અરવલ્લી જિલ્લાના બાયડ એસ.ટી.ડેપો મેનેજર ના તઘલખી ર્નિણયોથી મુસાફરો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે બાયડ ડેપોની ઘણા લાંબા સમયથી ચાલતી કેટલીક બસોના રૂટ બદલવામાં આવ્યા છે તો કેટલીક બસોના રૂટ બંધ કરી દેવામાં આવ્યા છે તેમજ અન્ય બસોના રૂટના સમયમાં ફેરફાર કરી દેવામાં આવ્યા છે. બાયડ ડેપો મેનેજર ના આવા તઘલખી ર્નિણયથી મુસાફરો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
દાહોદ થી ખેત મજૂરી કે અન્ય મજૂરી કામ અર્થે હજારોની સંખ્યામાં લોકો અહી આવે છે,ત્યારે બાયડ ડેપોની બાયડ થી દાહોદ બસ ઘણા લાંબા સમયથી ચાલુ હતી અને તહેવારો નિમિત્તે એસ. ટી. વિભાગ દ્વારા દાહોદ માટે એક્સ્ટ્રા બસો મુકવામાં આવે છે, ત્યારે બાયડ ડેપો દ્વારા વર્ષોથી ચાલતી બાયડ – દાહોદ બસ ડેપો મેનેજર દ્વારા મનસ્વી ર્નિણય લઈ બંધ કરી દેવામાં આવી છે
જેથી વિસ્તારમાં આવેલા કવોરી ઉદ્યોગમાં તેમજ રડોદરા, સરસોલી, ગાબટ જેવા ગામોમાં ખેત મજુરી કામ અર્થે આવતા મજૂર વર્ગ તહેવારમાં માદરે વતન જવા પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, કે પછી અન્ય ખાનગી વાહનોમાં મુસાફરી કરવા મજબૂર બન્યા છે. વધુમાં બાયડ – અંબાજી, બાયડ – પાટણ જેવી વર્ષો જુના રૂટ પર ચાલતી એસ.ટી. બસના સમય માં પણ મનસ્વી રીતે ફેરફાર કરવામાં આવ્યો છે.
મુસાફરોમાં થતી ચર્ચા મુજબ અગાઉ તલોદ ડેપોમાં પણ આ રીતે તઘલખી ર્નિણયો લેવામાં આવતાં તલોદ ડેપો બંધ થઇ ગયો છે, તો બાયડ ડેપો મેનેજરના તઘલખી ર્નિણયોના કારણે બાયડ ડેપોની પરિસ્થિત પણ તલોદ ડેપો જેવી ન થાય તે માટે ડેપો મેનેજર દ્વારા આ દિશામાં યોગ્ય ર્નિણયો લેવામાં આવે તેવી મુસાફરોની માગણી છે.*