બાયડ તાલુકાના સાઠંબા ગામે રસ્તા ઉપરના દબાણો દૂર કરાયા
બાયડ તાલુકાના સાઠંબા ગામમાં જવાના રસ્તા ઉપર કેટલા ટાઈમ થી લારી ગલ્લાવાળા તેમજ દુકાનદારો દ્વારા કરવામાં આવેલા જાહેર રસ્તા ઉપરના ગેરકાયદે દબાણોના કારણે રસ્તા સાંકડા થઈ જતાં બહારગામથી આવતા ગ્રાહકોને ભિડભાડમાં વાહન પસાર થતાં પરેશાનીનો સામનો કરવો પડતો હતો જેની અવારનવાર સ્થાનિક ગ્રામપંચાયત કક્ષાએ તથા ઉચ્ચ કક્ષાએ ફરિયાદો કરવામાં આવતી હતી. આવી કેટલીક ફરિયાદ થયા બાદ તંત્ર સફાળું જાગ્યું હતું અને ગઈકાલે સાઠંબા ખાતે નાયબ મામલતદાર, તાલુકા પંચાયતના અધિકારી, સાઠંબા ગ્રામ પંચાયતના સરપંચ, તલાટી કમ મંત્રી અને ગ્રામપંચાયતના સ્ટાફ સાથે બસ સ્ટેશન વિસ્તારમાં કુલ ૮૧ દબાણો દૂર કરવામાં આવતાં ‘કહીં ખુશી કહીં ગમ’ ના દ્રશ્યો જોવા મળ્યા હતા. જે લારી ગલ્લાવાળાઓના દબાણો દૂર કરવામાં આવતાં તેમના ચહેરા પર રોજગાર છિનવાયાનું દુઃખ સ્પષ્ટ નજરે પડતું હતું. અને તેઓને પાથરણાબજાર જેવી વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરતા હતા. તો બીજી તરફ કેટલાક શાણા નાગરિકો આ રસ્તા પૈકીના દબાણો પાછા ખડકાઈ ના જાય તેની દરકાર સ્થાનિક સત્તાવાળા રાખે તેવી કાનાફુંસી કરતા જોવા મળ્યા હતા.
દિલીપ પુરોહિત. બાયડ