બાયડ તાલુકાના હઠીપુરા ગામે વિજતંત્રએ બારોબાર ખેડુતના મહામુલા સાગના ઝાડ કાપી નાખ્યા
અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકાના હઠીપુરા ગામે વિજ કંપનીની મનમાની ખેડુતે સરકારી તંત્રને કરેલી ફરિયાદમાં બહાર આવી છે ખેડુતે પોતાના ખેતરમાં ઊભા સાગના ઝાડ ખેડુતને કોઈપણ પ્રકારની જાણ કે વિશ્વાસમાં લીધા વગર બારોબાર કાપી નાખ્યાના આક્ષેપ સાથે પ્રાંત અધિકારી, બાયડ, યુજીવીસીએલ કચેરી સાઠંબા, એમજીવીસીએલ કચેરી, વિરપુર તથા સાઠંબા પોલીસ મથકે ફરિયાદ કરાઈ છે.
હઠીપુરા ગામના ખેડુત કાંતિભાઈ પટેલે ઉચ્ચ કક્ષાએ કરેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, હઠીપુરા ગામની સીમમાં તેમની માલિકીના ખેતરમાં ૧૦૦ જેટલા ઝાડ ઉછેરેલા છે. છેલ્લા પાંચ વર્ષ પહેલા સાઠંબા જીઈબી અહી ઇલેવન કેવી ની વિજલાઈન નાખી હતી. થોડા સમય પહેલાં એમજીવીસીએલ વિરપુરના કર્મચારીઓએ વિજલાઈન મેઈન્ટેનન્સના બહાને ૬૦ જેટલા સાગના ઝાડ કાપી નાખ્યા હતા.
હાલમાં આ વિજલાઈન એમજીવીસીએલ વિરપુરના તાબામાં આવે છે. ખેડુતે વધુ આક્ષેપમાં જણાવ્યા મુજબ વિજલાઈનને નડતાં ડાળ કાપવાનાં હોઈ પરંતુ કોઈ નહીં સાંભળવા ટેવાયેલા આ વિજ કર્મચારીઓએ તો સાગના ઝાડ થડમાંથી જ કાપી નાખ્યાં છે. વધુમાં અરજીમાં જણાવ્યા મુજબ વિજકંપનીએ આ રીતે મનમાની કરી પર્યાવરણને ગંભીર નુકસાન પહોંચાડયું છે. સાગના ઝાડ વનવિભાગની પરિભાષા મુજબ રક્ષિત ઝાડની વ્યાખ્યામાં આવે છે. જેથી જેને કાપવા માટે વિધિવત પરવાનગી લેવી પડતી હોઈ છે.
ખેડુતે સંબંધિત વિભાગોને કરેલી ફરિયાદના અનુસંધાને એમજીવીસીએલ વિરપુર અધિકારીઓ તાબડતોબ હઠીપુરા ગામે પહોંચ્યા હતા. હવે જોવું એ રહ્યું કે, ખેડુતને તેના મહામુલા ઝાડના નિકંદન સામે ન્યાય મળે છે કે પછી ખો આપવામાં માહિર તંત્ર ખો આપે છે કે ન્યાય તે જોવાનું રહ્યું