બાયડ તાલુકાની વાસણા મોટા પ્રાથમિક શાળામાં છ વર્ષથી નોનયુઝ કરાયેલા રૂમો નવા બનાવવા માંગ
બાયડ તાલુકામાં ઘણી શાળાઓમાં રૂમો જર્જરીત હાલતમાં હોવા છતાં વારંવાર તંત્રને જાણ કરવા છતાં તંત્ર કોઈ જ તસ્દી લેતું નથી. અને જાણે રૂમો જમીનદોસ્ત થાય તેરી રાહ જોઈ રહ્યુ હોય તેમ તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેમ લાગે છે બાયડ તાલુકાના વાસણામોટા પ્રાથમિક શાળામાં છ વર્ષ પહેલાં નોનયુઝ જાહેર કરવામાં આવેલા રૂમો હોવા છતાં આજદિન સુધી નવા રૂમો મંજૂર કરવામાં ના આવતાં ગ્રામજનોમાં નારાજગી ફેલાઇ છે.
બાયડ તાલુકાના બોરોલ તાલુકા પંચાયતના સદસ્ય મિત્તલબેન કેતનભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા અનેકવાર તંત્રને રજૂઆત કરવા છતાં તંત્રએ રજુઆત ધ્યાને ના લેતાં તેઓએ જીલ્લા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી છે વાસણામોટા પ્રાથમિક શાળામાં ૨૧૩ વિધ્ધાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જો કે સ્કુલ ચાલુ થાય તો વિદ્યાર્થીઓને બેસવા માટેની મોટી સમસ્યા ઉભી થાય તેમ છે. આ બાબતે તંત્ર ઝડપી નિવેડો લાવે તેવું ગ્રામજનો ઈચ્છી રહ્યા છે અને જો તંત્ર દ્વારા નવા રૂમો નું ઝડપી નિવારણ લાવવામાં નહીં આવે તો ગ્રામજનો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે.