બાયોમેટ્રિક હાજરી ફરજિયાત કરાતાં AMC કચેરીઓમાં લાઇનો લાગી
મ્યુનિ.નાં સરક્યુલર સામે વર્ગ બે તથા ત્રણનાં કર્મચારીઓમાં સખત નારાજગી
કામ હોય ત્યારે મોડે સુધી રોકાઇએ છીએ તેની કોઇ નોંધ ના લેવાઇ: નારાજ કર્મચારીઓની હૈયાવરાળ
અમદાવાદ,મ્યુનિ.માં ફરજ બજાવતાં વર્ગ બે અને ત્રણનાં કર્મચારીઓ માટે બાયોમેટ્રિક્સ હાજરી ફરજીયાત બનાવાતાં મુખ્ય કચેરી સહિત તમામ કચેરીઓમાં સવાર સાંજ હાજરી પૂરવાનાં મશીન આગળ કર્મચારીઓની લાઇનો લાગવાની શરૂઆત થઇ ગઇ છે, તેના પગલે ખાસ કરીને મહિલા કર્મચારીઓમાં નારાજગી વ્યાપી ગઇ છે.મ્યુનિ. કર્મચારી આલમનાં સૂત્રોએ કહ્યું કે, મ્યુનિ.નાં વર્ગ બે અને ત્રણનાં કર્મચારીઓની બાયોમેટ્રિક્સ મશીન ઉપર હાજરી પૂરવાનાં અને તેના આધારે પગારબિલ બનાવવાનો સરક્યુલર જારી કરાયો છે.
જેમાં વર્ગ બે અને ત્રણનાં કર્મચારીઓનો ઓફિસ આવવાનો સમય ૧૦.૩૦ તથા જવાનો સમય ૬.૧૦નો છે. પરંતુ જો કોઇ કર્મચારી ત્રણ વાર મોડા આવે તો તેમની એક દિવસની કેજ્યુઅલ રજા બાદ કરવાની રહેશે તેમજ સાંજે છ વાગ્યે જવા માંગતા કર્મચારીઓને ૧૦ મિનિટની છુટછાટ એક મહિનામાં વધુમાં વધુ ત્રણ વખત આપી શકાશે તેવી સૂચના આપવામાં આવી છે.મ્યુનિ.નાં વર્ગ બે અને ત્રણનાં કર્મચારી પોતાની ફરજ ઉપર સમયસર હાજર થાય અને કામનાં કલાકો દરમિયાન ફરજ ઉપર હાજર રહે તેવા હેતુસર કરાયેલાં સરક્યુલરને પગલે મ્યુનિ.ની મુખ્ય કચેરી તેમજ ઝોનલ-વોર્ડ કચેરીઓમાં મુકાયેલાં બાયોમેટ્રિક્સ મશીન આગળ સવાર-સાંજ ભીડ જામે છે અને લાઇનો લાગે છે.
ત્યારબાદ મ્યુનિ.કર્મચારીઓ એકસામટા જ બહાર રોડ ઉપર નીકળતાં હોવાથી ટ્રાફિકની સમસ્યા પણ સર્જાવાની શરૂઆત થઇ છે.મ્યુનિ.નાં સરક્યુલર સામે વર્ગ બે તથા ત્રણનાં કર્મચારીઓમાં સખત નારાજગી જોવા મળી રહી છે. આ કર્મચારીઓનુ કહેવુ છે કે, મ્યુનિ.માં ફરજ બજાવતાં તમામ કર્મચારી જ્યારે કામ હોય કે જરૂર હોય ત્યારે રાતદિવસ જોયા વગર અને સમયની ગણતરી કર્યા વગર ફરજ બજાવે છે.
તેની નોંધ લેવાને બદલે નિયમિતપણે મોડા આવતાં અને વહેલાં જતા રહેતાં કર્મચારીઓને સીધા કરવાની જવાબદારી તેમનાં વડા અધિકારીની છે, જે નિભાવવાને બદલે બધાને હેરાન કરવામાં આવી રહ્યાં છે.કર્મચારીઓએ તો ત્યાં સુધી કહ્યું કે, સ્વચ્છ સર્વેક્ષણની વાતો થાય છે, પરંતુ સફાઇ કામદારોની હાજરી પૂરવામાં અધિકારીઓ ગભરાય છે અને તેમની હાજરી પૂરવા માટે મુકાયેલાં બાયોમેટ્રિક્સ મશીન બગાડી નાખી લાખોનુ નુકશાન કરાવાયુ ત્યાં કોઇ પગલા લેવાયા નથી.ss1