બાયો-બબલમાં રહીને વાગલે કી દુનિયાનું શૂટિંગ શરૂ થયું
મુંબઈ: ટેલિવિઝન સીરિયલ ‘વાગલે કી દુનિયા- નયી પીઢી કે નયે કિસ્સે’એ ૧૦ દિવસ પહેલા શૂટિંગમાંથી બ્રેક લીધો હતો. સીરિયલના સેટ પર કેટલાક લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ પ્રોડક્શન હાઉસે શૂટિંગ બંધ કર્યું હતું. ત્યારબાદ મહારાષ્ટ્રમાં રાજ્ય સરકાર દ્વારા નિયંત્રણો લાદવામાં આવતા ફિલ્મો અને સીરિયલોના શૂટિંગો બંધ થયા હતા. છેલ્લા થોડા દિવસમાં ઘણાં પ્રોડક્શન હાઉસ દ્વારા પોતાની સીરિયલોનું શૂટિંગ મુંબઈની બહાર શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારે ‘વાગલે કી દુનિયા’ના મેકર્સે પણ નવા એપિસોડ માટે સેલવાસમાં શૂટિંગ શરૂ કર્યું છે. આ સીરિયલના નવા એપિસોડ ૨૬ એપ્રિલથી પ્રસારિત થવાના છે.
આ શોમાં વાગલે પરિવારની વાર્તા બતાવવામાં આવે છે. સિનિયર મિસ્ટર એન્ડ મિસિસ વાગલેના રોલમાં અંજાન શ્રીવાસ્તવ અને ભારતી આચરેકર છે અને જૂનિયર મિસ્ટર એન્ડ મિસિસ વાગલેના રોલમાં સુમિત રાઘવન અને પરીવા પ્રણતી છે. સુમિત અને પરીવા આગામી એપિસોડના શૂટિંગ માટે સેલવાસ પહોંચી ગયા છે.
જ્યારે સિનિયર કલાકારો અંજાન શ્રીવાસ્તવ અને ભારતી આચરેકરને હાલ શૂટિંગ પર બોલાવાયા નથી. શોનું શૂટિંગ સેલવાસમાં શરૂ કરવા અંગે પ્રોડ્યુસર જેડી મજેઠિયાએ કહ્યું, અમે શોની ક્વોલિટી સાથે સમાધાન નહોતા કરવા માગતા માટે જ શોનો ટ્રેકને બદલીને હોલિડે રિસોર્ટનો એંગલ લાવવામાં આવ્યો છે. હવે નવા શરૂ થનારા એપિસોડમાં જાેવા મળશે કે કેવી રીતે એક મિડલ ક્લાસ ફેમિલી રિસોર્ટ હોલિડે પર જાય છે અને દેશમાં લોકડાઉનના કારણે ત્યાં જ ફસાઈ જાય છે. અંજાનજી અને ભારતીજી હાલ શૂટિંગ નહીં કરે કારણકે તેઓ સિનિયર કલાકારો છે અને મને નથી લાગતું કે આ મહામારીમાં તેમને મુંબઈથી સેલવાસ લઈ જવા યોગ્ય છે.
ઉપરાંત અમે એસી સેટ પર શૂટ કરીએ છીએ અને ત્યાં આવી સુવિધા ન હોવાથી મુશ્કેલી પડી શકે છે. ઉનાળામાં તેના વિના રહેવું શક્ય નથી. બીજી વસ્તુ કે રિસોર્ટમાં શૂટિંગ દરમિયાન ખૂબ ચાલવું પડે છે. રિસોર્ટનું ફૂડ એટલું હેલ્ધી ના હોવાથી વૃદ્ધો માટે લાંબા સમય સુધી ખાવું યોગ્ય નથી. એટલા માટે હાલ તેઓ શૂટિંગ નથી કરી રહ્યા. જાેઈએ પછી આગળ શું થાય છે”, તેમ મજેઠિયાએ ઉમેર્યું. સિનિયર વાગલે એટલે કે અંજાન શ્રીવાસ્તવનો સંપર્ક કર્યો. ત્યારે તેમણે કહ્યું, “હું સહમત છું કે, મુંબઈની બહાર સિનિયર સિટીઝન માટે શૂટિંગ કરવું સુરક્ષિત નથી. અમારી પાસે રાહ જાેવા સિવાય કોઈ વિકલ્પ નથી. આ દુઃખદ અને નિઃસહાય કરી મૂકતી પરિસ્થિતિ છે પરંતું હવે થઈ પણ શું શકે. હું સેટ પર જવા માટે ખૂબ આતુર છું.