Western Times News

Gujarati News

બારાબંકીમાં રોડવેજ બસ ખીણમાં ખાબકી: બેના મોત: ૧૮ યાત્રીઓ ઘાયલ

બારાબંકી, ઉત્તર પ્રદેશના બારાબંકીમાં મોટી માર્ગ દુર્ઘટના ઘટી હતી. ઉત્તર પ્રદેશ પરિવહન નિગમની બસ બેકાબૂ થતાં ખીણમાં ખાબકી હતી. ઘટનામાં બસમાં સવાર યાત્રીઓ દબાઈ ગયા હતા. બસ ફૂલ સ્પીડમાં હોવાના કારણે આ ઘટના ઘટી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે રોડવેજ બસમાં કુલ ૪૦ યાત્રીઓ સવાર હતા. જેમાંથી ૧૮ લોકોને જિલ્લા હોસ્પિટલમાં રેફર કરાયા હતા. જ્યારે દુર્ઘટનામાં અત્યાર સુધી બે લોકોના મોતના સમાચાર મળ્યા છે. અને અનેક યાત્રીઓની હાલત નાજુક છે.

વધુ ઝડપે અન્ય વાહનને ઓવરટેક કરવાને કારણે આ બસ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતનો ભોગ બનેલ કૈસરબાગ ડેપોની બસ છે, જે ગોંડાથી લખનૌ જઈ રહી હતી. આ દરમિયાન અકસ્માત બારાબંકીના રામનગર પોલીસ સ્ટેશન વિસ્તારના ચોક ઘાટ ક્રોસિંગ પાસે થયો હતો. તે જ સમયે આ મામલાની માહિતી મળતા જ પોલીસ દળ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. હાલ રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે.

ઉત્તર પ્રદેશ પરિવહન નિગમની બસ ઊંડી ખીણમાં પલટી જતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી, જ્યારે અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ પછી પોલીસે લોકોની મદદથી બસની અંદર ફસાયેલા મુસાફરોને બહાર કાઢ્યા હતા. આ દરમિયાન કેટલાક પોલીસકર્મીઓ લોહીથી લથપથ લોકોને કપડાંથી ઢાંકતા પણ જાેવા મળ્યા હતા.

આ દરમિયાન એક મુસાફરે કહ્યું કે અમે બલરામપુરથી લખનૌ જઈ રહ્યા હતા, તે દરમિયાન ઘાઘરા નદી પાસે ચોક ઘાટ ક્રોસિંગ પર બસ ડ્રાઈવરે બીજા વાહનને ઓવરટેક કરી લીધું હતું. જે બાદ બસ બેકાબૂ બની હતી. તે પછી શું થયું તે અમને ખબર નથી.જ્યારે હું ભાનમાં આવ્યો ત્યારે બસ ખાડામાં હતી.

બસ કંડક્ટરે જણાવ્યું કે બસમાં લગભગ ૪૦ લોકો હતા અને અચાનક આ અકસ્માત થયો. સાથે જ જણાવ્યું કે આ અકસ્માતમાં ડ્રાઈવરનો હાથ પણ તૂટી ગયો છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.