બારેજા ખાતે દાંડીયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું
જેતલપુરના સરપંચ દરબાર કનકબા અને સ્વામિનારાયણ મંદિરના મહંતો દ્રારા યાત્રિકોનુ ભવ્ય સ્વાગત
દેશની આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસર પર સમગ્ર દેશમાં ૭૫ અઠવાડિયામાં સુધી આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીનો પ્રારંભ થઈ ચૂક્યો છે.જેની શરૂઆત અમદાવાદ સાબરમતી આશ્રમથી દાંડીયાત્રાને વડાપ્રધાન શ્રી નરેંદ્રભાઇ મોદીએ શુક્રવારે પ્રસ્થાન કરાવ્યું હતું.
સાબરમતી આશ્રમથી નીકળેલી યાત્રા અસલાલી ખાતે પ્રથમ રાત્રિ રોકાણ કર્યા બાદ આજ રોજ બીજા દિવસે સવારે અસલાલીથી બારેજા આવી પહોંચી હતી.જેમાં કેન્દ્રીય સાંસ્કૃતિક અને પ્રવાસન રાજ્યમંત્રીશ્રી પ્રહલાદસિંહ પટેલ,અધિક નિવાસી કલેકટર શ્રી હર્ષદભાઈ વોરા, અમદાવાદ જીલ્લા વિકાસ અધિકારીશ્રી અરૂણ મહેશ બાબુ, દસ્ક્રોઇના પ્રાંત અધિકારી શ્રી કોમલબેન પટેલ યાત્રિકો સાથે જોડાયા હતા.
અસલાલી ગામથી દાંડીયાત્રા જેતલપુર ખાતે પહોંચી ત્યારે જેતલપુરના સરપંચ દરબાર કનકબા અને સ્વામિનારાયણ મંદિરના મહંતો દ્રારા યાત્રિકોનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.યાત્રામા જોડાયેલા યાત્રિકોએ મંદિરમા દર્શન કર્યા હતા.
જેતલપુરથી બારેજા પહોચેલી યાત્રાને બારેજા નગરપાલિકા પ્રમુખ શ્રી ભરતભાઇ પટેલે યાત્રિકોને સૂતરની આંટી પહેરાવીને ઉષ્માભર્યુ ભવ્યાતિભવ્ય સ્વાગત કર્યુ હતું. જેમા ગ્રામજનો અને પ્રાથમિક શાળાના બાળકો ગાંધીજીની વેશભુષામા ઉપસ્થિત રહ્યા હતા.
સાબરમતી આશ્રમથી યાત્રામા જોડાયેલા પ્રવાસન રાજ્યમંત્રીશ્રી પ્રહલાદસિંહ પટેલે જણાવ્યું હતું કે ‘’ આજે યાત્રાનો બીજો દિવસ છે અને આ બપોરનો પહેલો પડાવ છે. ગુજરાતના ૮૧ અને અન્ય ૧૪ રાજ્યોના ૯૧ યાત્રિકો આ યાત્રામાં જોડાયા છે તેઓને હું આ સુખદ યાત્રા માટે શુભકામનાઓ પાઠવું છું. તેમણે યાત્રિકો માટે કરવામા આવેલી વ્યવસ્થા માટે રાજય સરકારનો આભાર વ્યકત કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે બારેજા નગરપાલિકા દ્વારા ગામ ખાતે પહોચેલી દાંડીયાત્રાના યાત્રિકો માટે આરામ કરવા માટે વિશ્રામસ્થાન, બપોરના ભોજનની વ્યવસ્થા, મેડિકલ સુવિધા,૧૦૮ની સુવિધા, અમદાવાદ જીલ્લા પંચાયત આયુર્વેદ શાખા તરફથી દવાઓ, તેલ અને મસાજની સગવડતાઓ ઉભી કરવામાં આવી હતી.
આ પ્રસંગે બારેજા નગરપાલિકાના કાઉંસીલરો અને હોદ્દેદારો અને મોટી સંખ્યામા ગ્રામજ્નો ઉપસ્થિત રહ્યા હતા.
દાંડીયાત્રામા જોડાયેલા યાત્રિકોના પ્રતિભાવ: ૧ શ્રી પ્રદિપભાઈ ગેલોત
ગાંધીનગરના ૫૭ વર્ષીય શ્રી પ્રદિપભાઈ ગેલોત પોતાનો પ્રતિભાવ આપતા જણાવે છે કે ‘’મે ૨૦૧૨ મા કૈલાશ માનસરોવરની યાત્રા કરી હતી. ત્યારે તત્કાલિન મુખ્યમંત્રી શ્રી ગુજરાત સરકારે મારું સ્વાગત કર્યુ હતુ. જ્યારે મને દાંડીયાત્રા યોજાવાની છે તેવા સમચાર મળ્યા ત્યારથી જ મે નિર્ણય કર્યો હતો કે હું આ યાત્રામા જોડાઇશ. યાત્રિકો માટે રાજય સરકાર તરફથી ખુબ સારી સગવડતાઓ આપવામા આવી રહી છે.
૨- શ્રી જગતભાઇ કારાની –ગાંધીનગરના ૬૪ વર્ષીયશ્રી જગતભાઇ કારાનીએ ૯૭ હાફ મેરાથોન પૂર્ણ કરેલ છે. દાંડીયાત્રામા જોડાવાનો તેમનો હરખવ્યકત કરતાં તેઓ જણાવે છે કે મે ગાંધીજીના મૂલ્યો અને નિયમો વિશે ઘણું બધું વાચ્યું અને સાંભળ્યું હતું.
ગાંધીજીએ મીઠાના સત્યાગ્રહ માટે આ દાંડીયાત્રા કરેલી હતી. તો મને પણ એમ થયું કે હું પણ આ રસ્તે ચાલી શકું છું. ગાંધીજીના મૂલ્યો અને તેમણે કરેલો સંઘર્ષ એ જમાનામાં ખુબ કઠિન હતો છ્તાય તેઓ ભારતને આઝાદીઅપાવવા માટે મક્ક્ક્મ રહ્યા હતા તે આજની પેઢીએ શીખવાની જરુર છે.