બાર વર્ષની માસુમ ઉમરે અમદાવાદની જાનુસી રાયચુરાએ અંગ્રેજી ભાષામાં ત્રણ નવકલથાના પુસ્તકો લખી, પ્રગટ કર્યાં
ત્રણ પુસ્તકો હાથ વગા: હજી ત્રણ પુસ્તકો પ્રગટ થશે, એ પછી પણ લેખન ચાલુ છે
માનવ મનના તરંગો અને વલયોનો તાગ મેળવવાની વાત એટલે સમંદરના પેટાળને ઢંઢોળી નાખવાનો ઉપક્રમ. એક વાત સ્પષ્ટ રીતે કહી શકીએ,
દરેક માણસની અંદર એક જુદો માણસ શ્વસતો હોય છે. અંદરના એ માણસને જયારે પ્રગટવાનો માર્ગ મળે છે ત્યારે જ તેનો પરિચય મળી જાય છે.
પાંચ વર્ષની ઉમરે પગને કૂદવા માટે ફળિયું જાેઈએ, પણ સાવ નાના નાજુક બાળકો સુગમ સંગીતમાં કેળવાય કે નૃત્યકળામાં પારંગત બને અથવા તે દિશામાં ઉપક્રમ કરે ત્યારે સ્વભાવિક એમ કહેવાય કે તેની અંદરનો જીવ તો કલાકાર છે.
આપણે જાનુસીની વાત કરીએ. ૧૩ વર્ષની આ કન્યાનો જન્મ અમદાવાદમાં થયો. મમ્મી સારિકા બહેન, પિતા રાજેન્દ્રકુમાર. તે પાંચેક વર્ષની હતી ત્યારે પરિવારના સ્વજનોએ કલ્પના સુધ્ધાં નહી કરી હોય કે આ નાજુક નમણી કન્યા બાર વર્ષની ઉંમરે પહોંચતા- પહોંચતા ચાર પુસ્તકોની લેખક બની છવાઈ જશે. ૯ જાન્યુઆરી ર૦૦૮માં જન્મેલી જાનુસી નાના પાસેથી પ્રેરણા મળી.
જાનુસીએ નાનાને બાળકો માટે કશુંક લખતા જાેયા. નાનકડી રૂપાળી પરી જેવી, જિજ્ઞાસા વૃત્તિથી છલોછલ આ છોકરી નાનાને સાંભળ્યા કરતી. તેની અંદર કશુંક ઉગવા માંડ્યું, ધીમે ધીમે અંકુરિત થવા માડ્યં.
ઉમર વધતાની સાથે જાનુસીનો વાંચન શોખ ઉભરાયો. સ્કૂલની લાયબ્રેરીમાં જાય. શોધખોળ કરી મનગમતાં પુસ્તકો મેળવે, ખૂબ દિલથી, મનથી વાચન કરે. મનપસંદ કથાના પ્રસંગો અને પાત્રોને વૈચારિક રીતે ઘૂંટ્યા કરે, વધુ આકારિત કરે, તન મનથી તે પાત્રો સાથે ગોષ્ઠિ પણ કરે. તેને થયું કે ‘મારે પણ કલમ ચલાવવી જાેઈએ !’ ને, તેણે શરૂ કર્યું લખવાનું.
જાનુસીની મોટી બહેન ડોકટરી લાઈનમાં પ્રગતિ સાધી રહી છે. મમ્મી સારિકાબહેન સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયામાં સેવારત છે, પિતા રાજેન્દ્રભાઈ પોતે એન્જિનિયર. બધાની દિશાઓ સાક્ષરતાથી સભર છતાં સૌની દૃષ્ટિ તો જાનુસી તરફ જ હતી. જાનુસીને લખવાનું ખૂબ ગમવા માડ્યું હતું, તેથી સમજદાર સ્વજનોને એને પ્રોત્સાહિત કરવા માંડી.
જાનુસી કોઈ પુસ્તક વાંચે છે ત્યારે પુસ્તકના મૂળ સુધી પહોંચે છે, કથાનો અંત બરાબર ન લાગે તો તેનો અંત કેવો હોવો જાેઈએ તે સ્પષ્ટ કરી આપે છે. અરે, આખી કથાનું તે વિવરણ કરી આપે.
નાનકડી લેખિકાને વિદેશી લેખકો બહુ પસંદ છે. માતા-પિતા આ છોકરીને ગુજરાતી ભાષાથી તસુભાર પણ વિમુખ કરી રહ્યાં નથી તેઓ દીકરીને કહે છે, બેટા તું ભલે અંગ્રેજી ભાષામાં નવલકથાઓ લખે, પણ માતૃભાષા ગુજરાતીથી વંચિત ના બનતી. ગુજરાતી ભાષા આપણું ગૌરવ છે. આપણા અસ્તિત્વને તે ટકાવે છે. ગુજરાતી ભાષા જ આપણને આપણા સંબંધો સાથે જાેડી રાખે છે. બાંધી રાખે છે.
ખૂબ સમજદાર દીકરી જાનુસીએ ૬ પુસ્તકોની શ્રેણી માટે કલમ ઉપાડી અને તેના આરંભના ત્રણ પુસ્તકો પ્રગટ પણ થઈ ગયા છે. ત્રણ ભાગમાં સાહસ અને કલ્પનાની અવનવી આભાઓ રચાઈ ગઈ છે. પ્રસંગોની ભરમાર એવી છે કે તમે બસ, વાંચતા જ જાવ, અગ્રેસર થતા જ જાવ.
૬ પુસ્તકોની શ્રેણીમાં પ્રથમ પુસ્તક છે ‘વેન્ચર ઓફ જેમ લેન્ડ બ્લેક ટાઈમ’ બીજુ પુસ્તક છે ‘વેન્ચર ઓફ જેમ લેન્ડ ધ ગોર્ગર્ન્સ કર્સ’ અને ત્રીજુ પુસ્તક છે ‘વેન્ચર ઓફ જેમ લેન્ડ ધ આલ્કેમિક પ્રીસેઝ’
જાનુસીની કમાલ તો જુઓ એણે છ પુસ્તકોની શ્રેણી જ હાથ ધરી છે. ત્રણ બહાર પડ્યા છે. બીજી શ્રેણીમાં ત્રણ પુસ્તકો છે. એમા ક્રાઈમનું તત્વ વણાયેલું છે. રસપ્રવાહ સરખો જળવાઈ રહે તેવી તકેદારી ખાસ રખાઈ છે.
પુસ્તક લખીને તેના પ્રકાશનની વ્યવસ્થા પણ એણે જાતે જ કરી લીધી, હૈદરાબાદની પ્રકાશન સંસ્થા સાથે ગોઠવણ કરી, ચર્ચાના અંતે તેનું પ્રકાશન પણ સાંગોપાંગ રીતે થાય તે માટે પોતે તો પ્રસિધ્ધ બની, સામે પક્ષે પ્રકાશન સંસ્થાને પણ સક્રિય રાખી.
હવે જાનુસી ગુજરાતી ભાષામાં લખવા તૈયાર છે, તેની આંખોમાં સાહિત્ય પ્રત્યેની રુચિ દેખાય છે. એની અંદરનો ઉમંગ ચહેરા પર ઝલકે છે, તે કંઈક કહેવા ચાહે છે પણ તરત જ સંપાદક કહે છે ઃ તું ગુજરાતીમાં લખ, ભાષા વ્યાકરણની ચિંતા ના કર. ખૂબજ ખુલ્લા મનથી લખ. મઠારવાનું કામ મારું.
નાની ઉંમરમાં કોઈ બાળકમાં સાહિત્યકળા આકાર પામે અને તે મૂળમાંથી પ્રગાઢ બને તે બાબત ખૂબજ પ્રશંસનીય ગણાય. રાયચુરા પરિવારની દીકરી જાનુસી રાયચુરા સાહિત્યની દુનિયામાં આગવું જ નામ ખડું કરવા ઈચ્છે છે. તેને ‘રાખી’ સામયિક દ્વારા આશીર્વાદ અને શુભેચ્છાઓ.