બાલાછડી સૈનિક શાળા દ્વારા “આઝાદી કા અમૃત મહોત્સવ”ની ઉજવણી
અમદાવાદ, ભારતની સ્વતંત્રતાના 75 વર્ષની ઉજવણીને અનુલક્ષીને દાંડી કૂચના પ્રારંભની સાથે સાથે જામનગર સ્થિત બાલાછડી સૈનિક શાળા દ્વારા પણ શાળાના પરિસરમાં 12 માર્ચ 2021ના રોજ “આઝાદી કા અમૃત મહોત્સવ”ની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે, બાલાછડી સૈનિક શાળા દ્વારા ભારતની સ્વતંત્રતાની ચળવળ પર એક સંવાદ કાર્યક્રમ યોજાયો હતો જેને સમાજ વિજ્ઞાનના PR, HOD, શ્રી રાઘેશ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. આ રજૂઆતના કારણે વિદ્યાર્થીઓને ભારતની સ્વતંત્રતાની ચળવળ વિશે તેમજ સ્વતંત્રતા પ્રાપ્ત કરવા માટે ભૂતકાળમાં બનેલી વિવિધ ઘટનાઓ વિશે જાણવામાં મદદ મળી હતી.
આ પ્રસંગને યોગ્ય માન આપીને સર્જનાત્મક લેખન પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ધોરણ X અને XIIના કુલ 132 કેડેટ્સે ઉત્સાહપૂર્વક આ કાર્યક્રમમાં ભાગ લઇને પોસ્ટર્સ બનાવ્યા હતા તેમજ શુભેચ્છા સંદેશ અને સુવાક્ય લેખન કર્યું હતું. PGT અંગ્રેજી સુશ્રી સુનિતા કડેમાની દ્વારા આ કાર્યક્રમનું સંકલન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધતી વખતે ઉપાચાર્ય લેફ્ટેનન્ટ કમાન્ડર મનુ અરોરાએ સ્વતંત્રતા પ્રાપ્ત કરવા માટે મહાન ભારતીયોએ આપેલા બલિદાનના મહત્વ પર પણ પ્રકાશ પાડ્યો હતો. તેમણે વિદ્યાર્થીઓને એક નાગરિક તરીકે દેશની સ્વતંત્રતાની અખંડિતા જાળવવા માટે તેમની ફરજ યાદ અપાવી હતી.