Western Times News

Gujarati News

બાળકી ઉપર દુષ્કર્મના આરોપીને ૨૯ દિવસમાં સજા

અમદાવાદ, આપણે મોટાભાગે સાંભળ્યું હશે કે એક વખત કોર્ટના પગથિયાં ચઢો પછી ન્યાય માટે ચંપલ ઘસાઈ જાય ત્યાં સુધી ધક્કા ખાવા પડે છે. પરંતુ સુરતની પોસ્કો કોર્ટે આ વાતને ખોટી સાબિત કરી દીધી છે.

સુરતની પોસ્કો કોર્ટે ગુજરાતમાં રેપની ઘટનામાં સૌથી ઝડપી ટ્રાયલ ચલાવતા ૪ વર્ષની બાળકીના રેપિસ્ટને બનાવના ૨૯ દિવસમાં સજાનો ચુકાદો આપી દીધો. કોર્ટે રેપના આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે.

આ કેસમાં પોલીસ અને ન્યાયતંત્રએ જે ઝડપે કામ કર્યું તેના બધા વખાણ કરી રહ્યા છે. કોર્ટે માત્ર પાંચ જ દિવસમાં ટ્રાયલ પૂરી કરીને બુધવારે રાત્રે ૧૨ વાગ્યા સુધી કોર્ટની કાર્યવાહી ચલાવીને આરોપીને સજાનો ચુકાદો આપ્યો. ગત ૧૨ ઓક્ટોબરે સુરતની સચિન જીઆઈડીસીમાં ઝાડીઓ વચ્ચેથી એક બાળકી મળી આવી હતી.

જેની હાલત ઘણી જ ગંભીર હતી અને તેના પર દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. પોલીસે બાળકી પર દુષ્કર્મના આરોપી હનુમાન નિસાદે નામના શખસને બનાવના ૨૪ કલાકમાં ઝડપી લીધો હતો. પોસ્કો કોર્ટે આરોપીને આજીવન કેદની સજાની સાથે ૧ લાખનો દંડ ફટકાર્યો છે. કોર્ટે પીડિત બાળકી અને તેના પરિવારને ૧૫ લાખ રૂપિયાનું વળતર ચૂકવવા આદેશ કર્યો છે.

વળતરની આ રકમ પણ અત્યાર સુધીની સૌથી વધુ રકમ છે. રાજ્યના ઈતિહાસમાં દુષ્કર્મના કેસમાં આ સૌથી ઝડપી ચુકાદો છે. ગત ૧૨ ઓક્ટોબરે બનાવ બન્યો હતો. આ કેસમાં આરોપીના ૭ દિવસના રિમાન્ડ અપાયા હતા. પોલીસે ૧૦ દિવસમાં જ ચાર્જશીટ ફાઈલ કરી દીધી હતી.

જિલ્લા સરકારી વકીલને પ્રોસિક્યુશનના અસલ કેસ કાગળો ૨૨ ઓક્ટોબરે આપવામાં આવ્યા હતા. ૨૩ અને ૨૪ ઓક્ટોબરે રજાના દિવસે આખી મેટર તૈયાર કરી ૨૫ ઓક્ટોબરે આ કેસમાં ચાર્જ અને દસ્તાવેજી પુરાવાનું લીસ્ટ નામ, એડીશનલ સેશન્સ કોર્ટમાં રજૂ કરાયા હતા.

૩ સાક્ષીઓની ઓળખ પરેડ કરાઈ હતી અને ૬૦ સાક્ષીઓના ૧૬૪ મુજબના નિવેદન સાથે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરાઈ હતી. આ કેસમાં ૨૯ ઓક્ટોબર સુધીમાં બધા પુરાવા રજૂ કરાયા હતા. પ્રિન્સીપાલ ડિસ્ટ્રીક્ટ જજ વી કે વ્યાસ અને એડીશનલ ડિસ્ટ્રીક્ટ જજ પી એસ કાલાનીએ કોર્ટ રાત્રે ૧૨ વાગ્યા સુધી ખુલ્લી રાખવા હકારાત્મક સહકાર આપ્યો હતો.

કોર્ટે આરોપીને પોક્સો કેસમાં કલમ ૩૬૩ અંતર્ગત સાત વર્ષની સાદી કેદ અને ૧ હજારનો દંડ, ઈપીકો કલમ ૩૦૭ અંતર્ગત પાંચ વર્ષની સાદી કેદ અને હજારનો દંડ, ઈપીકો કલમ ૩૨૩ અંતર્ગત એક વર્ષની સાદી કેદ અને હજારનો દંડ, ઈપીકો કલમ ૩૭૬ અંતર્ગત આજીવન કેદ અને એક લાખનો દંડ અને જાે દંડ ન ભરે તો બે વર્ષની સજા ફટકારી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.