બાળકી પર યૌન ઉત્પીડનના આરોપમાં આર્મીના ૩ જવાનોની ધરપકડ કરાઇ

Files Photo
શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના બાંદીપોરામાં ૯ વર્ષની એક સગીરાનું અપહરણ કરીને યૌન ઉત્પીડનનો પ્રયાસનો મામલો સામે આવ્યો છે. ભારતીય સેનાના ત્રણ જવાનોની આ મામલામાં ધરપકડ કરવામાં આવી છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે ધરપકડ કરાયેલા ત્રણ સૈનિકો પૈકી એક જવાન કાશ્મીરનો સ્થાનિક નિવાસી છે, જ્યારે બે અન્ય રાજ્યના છે. જાેકે, આર્મી તરફથી આ મામલામાં કોઈ પ્રતિક્રિયા નથી આપવામાં આવી.
સાક્ષીઓ અને પોલીસ તરફથી મળતી જાણકારી મુજબ, ૯ વર્ષની બાળકી ઉત્તર કાશ્મીર જિલ્લાના ચેવા જિલ્લાની છે. બાળકીના પરિવાર તરફથી ફરિયાદ કરાયા બાદ સંબલ પોલીસ સ્ટેશનમાં આરોપીઓની વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. મામલો સામે આવ્યા બાદ રાજ્યની પૂર્વ મુખ્યમંત્રી અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી પ્રમુખ મહબૂબા મુફ્તીએ સવાલ ઉઠાવ્યા છે.
બાંદીપોરાના એસએસપી રાહુલ મલિકે કહ્યું કે, ૩ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જાેકે મામલો ‘સંવેદનશીલ’ હોવાના કારણે તેમની ઓળખ જાહેર નથી કરવામાં આવી. તેઓએ કહ્યું કે, અમે ફરિયાદી અને આરોપી બંનેની ઓળખને ગુપ્ત રાખી છે. આરોપીઓની વિરુદ્ધ આરોપ નક્કી થતાં અમે આગળની કાર્યવાહી કરીશું.
મલિકે એ વાતની પુષ્ટિ કરી છે કે સ્થાનિક લોકોની ફરિયાદના આધારે ત્રણની વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. તેઓએ કહ્યું કે, દરેક બાબતની તપાસ કરવામાં આવશે.
બાળકીના પિતાએ જણાવ્યું કે પ્રત્યક્ષદર્શીઓએ તેમને આ જાણકારી આપી છે કે ત્રણ લોકો મારુતિ ઓલ્ટો કારમાં બેસીને આવ્યા હતા અને બાળકીને કારની અંદર ખેંચવાનો પ્રયાસ કર્યો હતો. બાળકીના પિતાએ કહ્યું કે, તે કારમાં ત્રણ અલગ-અલગ નંબર પ્લેટ રાખેલી હતી.