બાળકોની કસ્ટડી નહીં મળતા પિતા દ્વારા બાળકીનું અપહરણ
રાજકોટ: ડિવોર્સથી વ્યથિત અને વધુમાં પોતાના બાળકની કસ્ટડી તેની માતાને આપવામાં આવતા, મનોજ મોહનિયા (ઉંમર ૨૨) કે જે મૂળ મધ્યપ્રદેશનો વતની છે તેણે મોરબી શહેરમાંથી ૧૮ જુલાઈએ દોઢ વર્ષની બાળકીનું અપહરણ કર્યું હતું. જાે કે, ઘટનાના સાત દિવસ બાદ, શનિવારે રાતે બાળકીનું અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં આવેલા જાબાળ ગામમાંથી રેક્સ્યૂ કરવામાં આવ્યુ હતું.
પોલીસના જણાવ્યા પ્રમાણે, ફરિયાદી અને અપહરણ થયેલી બાળકીના પિતા મુકેશ બોડેલ, કે જે પણ મૂળ મધ્યપ્રદેશનો વતની છે, તે પત્ની આશા સાથે છેલ્લા કેટલાક મહિનાઓથી મોરબીના રોડ પર આવેલા લખદીરપુરના સીરામિક યુનિટમાં કામ કરે છે.
આરોપી મનોજ મોહનિયાએ કામની શોધમાં મુકેશનો સંપર્ક કર્યો હતો. મુકેશે તેને સીરામિકના યુનિટમાં કામ અપાવવામાં મદદ કરી હતી. ‘મનોજ એ મુકેશ અને તેના પરિવારની બાજુમાં રહેતો હતો. તે ઘણીવાર તેની દીકરીને રમાડતો પણ હતો’, તેમ પોલીસે જણાવ્યું હતું.
૧૮ જુલાઈએ, આરોપી બાળકીને તેની સાથે લઈ ગયો હતો પરંતુ મોડી રાત સુધી ઘરે પાછો ન ફરતાં, આશાએ મોરબી પોલીસ સમક્ષ અપહરણની ફરિયાદ નોંધાવી હતી.
પોલીસની ટીમે સૌરાષ્ટ્રના વિવિધ શહેરો અને જીઆઈડીસીમાં શોધખોળ કરી હતી, જે નિષ્ફળ ગઈ હતી. બાદમાં, પોલીસે આરોપીનું લોકેશન ટ્રેસ કરતાં તે અમરેલીના જાબાળ ગામમાંથી મળી આવ્યું હતું. શનિવારે સાંજે પોલીસે આરોપીની અટકાયત કરી હતી અને બાળકને તેના ચુંગાલમાંથી છોડાવી હતી’, તેમ સૂત્રોએ જણાવ્યું હતું.
‘પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, હાલમાં જ મનોજના તેની પત્ની સાથે ડિવોર્સ થયા છે. દીકરી સહિત બધા બાળકોની કસ્ટડી તેની પત્નીને મળતાં તે વ્યથિત હતો. તેને બોડેલની બાળકી ખૂબ ગમતી હતી અને તેનામાં તે પોતાની દીકરીને જાેતો હતો. તેથી, તેને બાળકીનું અપહરણ કરવાનો અને તેનું ધ્યાન રાખવાનો વિચાર આવ્યો હતો. મનોજ જ્યાં પણ ગયો હતો ત્યાં તેણે લોકોને તે તેની દીકરી હોવાનું કહ્યું હતું તેમ પોલીસે જણાવ્યું હતું.