બાળકોની જીદ પર છત પર ૩૫ ફૂટ લાંબું પ્લેન બનાવ્યું
રાંચી: ઝારખંડના પાટનગર રાંચી પાસેના એક ગામમાં બે માળના મકાનની છત પર તૈયાર કરવામાં આવેલું ૩૫ ફુટ લાંબું, ૧૨ ફુટ પહોળું અને ૬ ફુટ ઊંચું પ્લેન ચર્ચાનો વિષય બની ગયું છે. ઈન્ડિગો નામનું આ પ્લેન ભલે સીમેન્ટ અને કોંક્રિટથી બનેલું છે પરંતુ તેની પાછળનું અનોખું કારણ જાણીને સમગ્ર વિસ્તારમાં તે ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે. ૫૨ વર્ષીય જાકિરએ જણાવ્યું છે કે તેમની ૬ વર્ષની પૌત્રી અતિકા અફશાં અને ૫ વર્ષની પૌત્રી નૂરા પરવીન અનેકવાર તેમને પ્લેનમાં લઇ જવાની જીદ કરતી રહેતી હતી. તેની પર તેઓ બાળકોને હેલિકોપ્ટર અને પ્લેનના રમકડા અપાવીને ફોસલાવવાનો પ્રયાસ કરતા હતા.
પરંતુ બાળકો નાના રમકડાથી માને એમ નહોતા. એવામાં લૉકડાઉનના ઠીક ત્રણ મહિના પહેલા જાન્યુઆરી ૨૦૨૦માં જાકિરે પોતાની છત પર સીમેન્ટ-કોંક્રિટથી પ્લેનનું નિર્માણ કરાવવાનું શરુ કર્યું. શરૂઆતમાં જાકિરની પત્ની અસગરી ખાતૂનને આ બધું એક ગાંડપણ લાગ્યું. પરંતુ જેમ જેમ આ અનોખા ર્નિણયની ચર્ચા વધતી ગઈ. પરિવારનો સહયોગ પણ જાકિરને મળવા લાગ્યો. આ નિર્માણાધીન પ્લેન પર જાકિરે લગભગ ૯-૧૦ લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે અને હજુ તેમાં વધુ એક લાખ રૂપિયાનો ખર્ચ થશે.
જાકિરે ખૂબ જ ઉત્સાહ સાથે જણાવ્યું કે પ્લેનની અંદર બેસવા માટે ૧૮ ખુરશીઓ હશે. સાથોસાથ કોકપિટમાં પાયલટ માટે અલગથી એક ચેરની સાથે સ્ટિયરિંગ પણ હશે. સફેદ, બ્લૂ અને આસમાની રગના ઈન્ડિગો નામના આ પ્લેનને જાેવા માટે દરરોજ અનેક લોકો જાકિરના ઘરે આવે છે. જાકિરે જણાવ્યું કે પ્લેનની અંદર બાળકો માટે એલસીડી, કોમ્પ્યુટર અને બાળકોના મનોરંજન માટે વીડિયો ગેમ સહિત તમામ સુવિધાઓ હશે. ચાર બાળકોના પિતા જાકિરની ઈચ્છા છે કે ઢળતી ઉંમરમાં પોતાની પત્ની અને તમામ પરિવારની સાથે છત પર જ આ પ્લેનમાં બેસીને જીવનનો આનંદ ઉઠાવશે.