બાળકોને બચાવવા નેઝલ વેક્સિન ગેમ ચેન્જર બનશે

WHOના વૈજ્ઞાનિક સૌમ્યાનું નિવેદન
નવી દિલ્હી, ભારતમાં હાલ કોરોનાની બીજી લહેરનો કહેર વ્યાપી રહ્યો છે. આ દરમિયાન ત્રીજી લહેરની પણ આશંકા સેવાઇ રહી છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કોરોનાની આગામી લહેર બાળકોને નિશાન બનાવી શકે છે. વિશ્વભરમા હાલ ૧૨ વર્ષથી ઓછી વયના બાળકોને કોરોનાની રસી આપવામાં આવી નથી.
એટલું જ નહીં, ભારતમાં ૧૮ વર્ષથી ઓછી વયના લોકો માટે કોઈ રસી મંજૂર કરવામાં આવી નથી. દરમિયાન, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામિનાથને કહ્યું છે કે, કોરોનાની નેઝલ રસી બાળકો માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. આ પ્રકારની રસી નાક દ્વારા આપવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે, તે ઇન્જેક્શનની રસી કરતા વધુ અસરકારક છે. આ સાથે તેને લેવી પણ સરળ છે.
સૌમ્યા સ્વામિનાથને કહ્યું કે, વધુમાં વધુ શાળાના શિક્ષકોને રસી આપવાની જરૂર છે. આ સાથે તેમણે કહ્યું કે, બાળકોને ત્યારે જ શાળામાં મોકલવા જાેઈએ જ્યારે કોમ્યુનિટી સંક્રમણનું જાેખમ ઓછું થઇ જાય. સ્વામિનાથને વધુમાં કહ્યું કે, ભારતમાં બનેલી નેઝલ રસી બાળકો માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. આ રસી બાળકોને લગાવવી સરળ પડશે.
આ સાથે, તે શ્વસન માર્ગમાં પ્રતિરોધક શક્તિ વધારશે. કેન્દ્ર સરકારે શનિવારે કહ્યું હતું કે, બાળકો ચેપથી સુરક્ષિત નથી, પરંતુ એમ પણ કહ્યું હતું કે, હાલ બાળકો પર વાયરસની અસર ઓછી થઈ રહી છે. જાે તમે વિશ્વ અને દેશના આંકડા પર નજર નાંખો તો માત્ર ૩-૪ ટકા બાળકોને જ હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે.
નીતિ આયોગના (સ્વાસ્થ્ય) સભ્ય વીકે પોલે કહ્યું કે, જાે બાળકો કોવિડથી પ્રભાવિત થાય છે, તો કોઈ લક્ષણો દેખાતા નથી અથવા ઓછામાં ઓછા લક્ષણો દેખાશે. તેમને સામાન્ય રીતે હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર હોતી નથી. પરંતુ આપણે ૧૦-૧૨ વર્ષના વયના બાળકો પર વધુ ધ્યાન આપવાની જરૂર છે. હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક કંપનીએ નેઝલ વેક્સિનની ટ્રાયલ શરૂ કરી દીધી છે. આ રસીના ડોઝ નાક દ્વારા આપવામાં આવશે. જે કોરોનાને મારવામાં અસરકારક સાબિત થઈ શકે છે.