બાળકોને રાખતી સંસ્થાઓમાં સંચાલકોની તાકીદની બેઠક
અમદાવાદ: અમદાવાદ શહેરમાં હાથીજણ વિસ્તારમાં આવેલાં સ્વામી નિત્યાનંદના આશ્રમમાંથી બે યુવતીઓ લાપતા થવાની ઘટના બાદ ભારે હોબાળો મચ્યો છે. ગઈકાલે વધુ બે બાળકોએ પોતાનાં માતાપિતા સાથે જવાનું જણાવતાં અધિકારીઓએ તાત્કાલિક આ બંને બાળકોનો કબજા પોલીસે તેનાં માતા-પિતાને સોંપી દીધો હતો. પરંતુ ચોંકાવનારી બાબત એ છે કે રાજ્ય સરકાર આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે એલર્ટ થઈ ગઈ છે. અને તાત્કાલિક આ કેસમાં સીટની રચના કરી તપાસનો આદેશ આપી દીધો છે.
આ ઉપરાંત છેલ્લાં બે દિવસથી સરકારનાં સંબંધિત વિભાગના અધિકારીઓની આ મુદ્દે બેઠકો યોજાતી હતી. જેમાં કેટલાંક મહ¥વપૂર્ણ નિર્ણયો લેવાયાં હતાં. આ નિર્ણયો અનુસાર સરકારે સંબંધિત વિભાગોને જરૂરી આદેશો આપ્યાં છે અને તે અનુસાર હવે રાજ્યભરમાં આ વિભાગો દ્વારા કાર્યવાહી શરૂ કરી દેવાઈ છે.
અમદાવાદ શહેર જિલ્લામાં પણ ગઈકાલ સાંજથી જ સરકારના આદેશ બાદ કાર્યવાહી શરૂ કરી દેવાઈ છે. અમદાવાદ જિલ્લા કલેક્ટરે અમદાવાદ શહેર જિલ્લામાં બાળકોને રાખતી આવી સંસ્થાઓનાં સંચાલકોની તાકીદની બેઠક બોલાવી હતી અને આ બેઠકમાં સરકારી અધિકારીઓ ખાસ હાજર રહ્યા હતાં. સંસ્થાઓમાં બાળકોને અપાતાં શિક્ષણ તથા સુવિધાઓ અંગેની ઝીણામાં ઝીણી વિગત સંચાલકો પાસેથી મેળવવામાં આવી હતી. વિદ્યાર્થીઓની સંખ્યા પણ મેળવી લેવામાં આવી છે.
તેવું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. આ બેઠકમાં સરકારી અધિકારીઓ દ્વારા કેટલાં મહત્વપૂર્ણ નિર્દેશો સંચાલકોને અપાયાં હતાં. પ્રાપ્ત માહિતી અનુસાર બાળકોને રાખતી આવી સંસ્થાઓમાં ટૂંક સમયમાં જ ઉચ્ચ અધિકારીઓ દ્વારા સ્થળ ચકાસણી કરવામાં આવે તેવું પણ મનાઈ રહ્યું છે.