બાળકોને સુરક્ષિત રાખવા મા-બાપ રસી માટે આગળ આવે
કોરોના સંદર્ભે તકેદારીના પગલાં માટે અમદાવાદ મેડિકલ એસોસિએશનની બેઠકમાં નિષ્ણાત ડોક્ટર્સે હાજરી આપી
અમદાવાદ: કોરોનાની ત્રીજી લહેર બાળકો માટે ખતરનાક સાબિત થવાની સંભાવના વચ્ચે માતા-પિતા ચિંતિત છે. આવામાં વિવિધ પ્રકારની તૈયારીઓ પણ શરુ કરી દેવામાં આવી છે. આ અંગે અમદાવાદ મેડિકલ એસોસિએશનની બેઠક યોજાઈ હતી તેમાં પણ ચર્ચાઓ કરવામાં આવી હતી. આ બેઠકમાં નિષ્ણાંત ડૉક્ટરોની ટીમ ઉપસ્થિત રહી હતી. અમદાવાદ મેડિકલ એસોસિએશનની બેઠકમાં ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના સ્ટેટ કો-ઓર્ડિનેટર ડો. મુકેશ મહેશ્વરીએ જણાવ્યું કે, કોરોના સંભવિત ત્રીજી લહેરની ઘાતકતા ઓછા કરવા માટે વધુમાં વધુ લોકોને રસી મળે તેવું આયોજન કરવાનું સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. ત્રીજી લહેરમાં બાળકોને અસર થવાની સંભાવનાને જાેતા માતા-પિતા રસી માટે આગળ આવે તે જરુરી હોવા અંગે ચર્ચા થઈ હતી.
કોરોનાની બીજી લહેર દરમિયાન જે પ્રકારની તકલીફ ઉભી થઈ હતી તેમાં એમ્બ્યુલન્સ, બેડ સહિતના મુદ્દે ચર્ચા થઈ હતી. જેમાં દર્દીઓને લાવવા લઈ જવા માટે ટેક્સી, સિટી બસ જેવા વાહનો તૈયાર રાખવા અંગે ચર્ચા વિચારણા થઈ હતી. ઘણાં નિષ્ણાતો બાળકોને ત્રીજી લહેરમાં અસર થવાની વાતને નકારી રહ્યા છે આમ છતાં બાળકોની સાથે તેમના માતા-પિતા રહી શકે તેવી વ્યવસ્થાનો મુદ્દો પણ મહત્વનો છે.
જેમાં બાળકોને ચેપ લાગવાની સૌથી મોટી સંભાવના તેમના બહાર જતા માતા-પિતા હોવાથી તેઓ રસી રસી માટે આગળ આવે તેવો અભિપ્રાય પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો. બાળકોને કોરોનાની અસર ત્રીજી લહેરમાં થવાની જે સંભાવના વ્યક્ત કરાઈ રહી છે તે અંગે ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના નેશનલ વાઈસ પ્રેસિડેન્ટ ગાર્ગી પટેલે જણાવ્યું કે, ત્રીજી લહેર આવશે એવી શક્યતા છે પણ માત્ર બાળકો જ સંક્રમિત થાય તેવી શક્યતા હાલ અમે નકારી રહ્યા છીએ, કોઈ એવું સંશોધન કે બાળકો મોટો સંખ્યામાં સપડાશે. બાળકોની ઈમ્યુનિટી પહેલાથી સારી હોવાથી તેમનામાં વયસ્ક વ્યક્તિઓમાં જાેવા મળે તેવી બીમારી જાેવા મળતી નથી.
કોરોનામાં હંમેશા તેનો સ્ટ્રેઈન જાેઈને સ્ટ્રેટેજી બદલવી પડતી હોય છે. અગાઉ ૧૦-૧૭ વર્ષના બાળકો સંક્રમિત થતા હોવાનું સામે આવતા તૈયારીઓ અગાઉથી શરુ કરાઈ છે, માટે લોકોએ ગભરાવાની જરુર નથી. સિવિલ હોસ્પિટલમાં પણ બાળકો માટે ૨૪૬ પથારીની સાથે ૬૦ એનઆઈસીયુ બેડ પણ તૈયાર કરવામાં આવ્યા છે.