બાળકોનો જ્ઞાનાત્મક વિકાસ માટે કાણોદર પ્રાથમિક શાળામાં માર્ગદર્શન અપાયુું
બાળકોનો જ્ઞાનાત્મક વિકાસ થાય તે અંગે ગુજરાત શૈક્ષણિક ટેકનોલોજી ભવનના નિયામક દ્વારા કાણોદર પ્રાથમિક શાળામાં માર્ગદર્શન અપાયુું
(માહિતી બ્યુરો, પાલનપુર) બાળકોનો જ્ઞાનાત્મક વિકાસ થાય તે અંગે ગુજરાત શૈક્ષણિક ટેકનોલોજી ભવનના નિયામકશ્રી અને રાજ્ય પરીક્ષા બોર્ડના અધ્યક્ષશ્રી ડૉ. પ્રફુલ્લ જલુ દ્વારા કાણોદર પ્રાથમિક શાળા-૨ માં માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.
તેમણે સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત પસંદગી પામેલ કાણોદર પ્રાથમિક શાળા નંબર-૨ ના વર્ગખંડોની મુલાકાત લઈ શિક્ષક મિત્રો દ્વારા કરાવવામાં આવતુ પ્રત્યક્ષ વર્ગખંડ કાર્ય નિહાળી આચાર્યશ્રી અને શિક્ષક મિત્રોને આ સંદર્ભે યોગ્ય માર્ગદર્શન આપ્યુ હતુ.
બનાસકાંઠા જિલ્લામાં સરકારશ્રીના શિક્ષણ વિભાગનો મહત્વાકાંક્ષી પ્રકલ્પ “સ્કુલ ઓફ એકસલન્સ’ અતર્ગત પસંદ થયેલ શાળાઓમાં શૈક્ષણિક ગુણવત્તા અપગ્રેડ કરવા બાબતે શાળાના આચાર્યશ્રી, બી.આર.સી. કો-ઓર્ડીનેટર તેમજ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીઓને માર્ગદર્શન તથા હેન્ડ હોલ્ડીંગ કરવામાં આવ્યું હતુ. બનાસકાંઠા જિલ્લામાં એન.એમ.એમ.એસ અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષક મિત્રોનું પણ સન્માન કરવામાં આવ્યું હતુ.
દર વર્ષે બનાસકાંઠા જિલ્લાના ૨૦,૦૦૦ જેટલાં વિદ્યાર્થીઓ વિવિધ પ્રકારની શિષ્યવૃત્તિ અંગેની પરીક્ષાઓ આપતા હોય છે. આવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપતા વિદ્યાર્થીઓને વિવિધ શૈક્ષણિક એક્સપોઝર મળી રહે તે હેતુથી ગુજરાત શૈક્ષણિક ટેકનોલોજી ભવન દ્વારા ‘વિધા દર્શન‘ નામની યુ-ટ્યુબ ચેનલ પર વિવિધ શૈક્ષણિક કાર્યક્રમો દરરોજ નિર્માણ કરી પ્રસારિત કરવામાં આવે છે. જિલ્લાના મહત્તમ વિધાર્થીઓ આ કાર્યક્રમો નિહાળીને તેમની બૌદ્ધિક ક્ષમતામાં વધારો કરે તેવી લાગણી તેમણે વ્યક્ત કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા વિધાર્થી લક્ષી વિવિધ પરીક્ષાઓ લેવામાં આવે છે. તેમાં ભાગ લેતા આર્થિક રીતે નબળા વર્ગના તેજસ્વી વિધાર્થીઓને રાષ્ટ્રીય કક્ષાનું ફ્રી કોચિંગ કરાવવાનું કાર્ય ગુજરાત શૈક્ષણિક ટેકનોલોજી ભવન કરી રહ્યું છે.
આ પ્રસંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી સંજયભાઈ પરમારે પ્રાસંગીક પ્રેરણાદાયી પ્રવચન કર્યુ હતુ. કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ડૉ. નરેન્દ્રસિંહ ચાવડા, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રચાર્ય ડૉ.એમ.જે.નોગસ, નાયબ જિલ્લા પ્રા. શિક્ષણાધિકારીશ્રી બી. બી. ગઢવી તેમજ સમગ્ર જિલ્લાના તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓ, બી.આર.સી કૉ-ઓર્ડીનેટર, એન.એમ.એમ.એસ. નોડેલ પર્સન, વિદ્યાવાહક મિત્રો તેમજ સ્કૂલ ઓફ એક્સલન્સના તમામ આચાર્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.